નવસારી જિલ્લાના વેસ્મા ગામની સીમમાં આવેલા ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા પેપરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ગંભીરતાને જોતાં નવસારી ઉપરાંત બારડોલી અને સુરત ફાયર વિભાગની ગાડીઓને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ત્રણેય શહેરના ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. હાલમાં નવસારી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગોડાઉનમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.