રાજ્યમાં સ્માર્ટ મીટરનો વ્યાપ વધારવા માટે ઊર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એક પછી એક રાહત આપીને સ્માર્ટ મીટરને સર્વસ્વીકૃત બનાવવા માટેના પ્રયાસ સરકાર કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે રાજયના ઊર્જા વિભાગ દ્વારા ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓના સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજગ્રાહકો બપોરે 11થી 3 કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર પ્રતિ યુનિટ 0.60 પૈસા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત જે વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર વાપરતા હોય અને તેઓ સ્માર્ટ મીટરનું બિલ પ્રિ-પેઇડ કરાવે તો તેમને એનર્જી ચાર્જમાં 2 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે,રાજયમાં અત્યારે સ્માર્ટ મીટર ધરાવતા 10 લાખ વીજ ગ્રાહકો છે. રાજયમાં સ્માર્ટ મીટર લગાડવા સામે ઉઠેલા વિરોધને થાળે પાડવા માટે ઊર્જા મંત્રી કનુ દેસાઇએ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાડ્યુ છે. આ પછી સ્માર્ટ મીટરના ગ્રાહકોને વધુ લાભ આપીને અન્ય વીજ વપરાશકારો સ્માર્ટ મીટર લગાડવા માટે આકર્ષાય તેટલા માટે રાજય સરકાર દ્વારા સ્માર્ટ મીટર વપરાશકારોને વિવિધ રાહત આપવાના નિર્ણયો લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત રાજય સરકારે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ હેઠળના આશરે દોઢ કરોડ વીજ ગ્રાહકો પૈકી સ્માર્ટ મીટર ધરાવતા 10 લાખ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે. આ પછી તબક્કાવાર તમામ ગ્રાહકોને દોઢ કરોડ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગતા તેમને પણ ફાયદો થશે તેમ ઊર્જા વિભાગના સુત્રોનું કહેવું છે. પ્રિ-પેઇડ મીટરના ગ્રાહકોને 2 ટકા રાહત મળશે
સ્માર્ટ મીટર પ્રિ-પેઇડ કરનાર વીજગ્રાહકને એનર્જી ચાર્જમાં 2 ટકા રાહત આપવાનો રાજયના ઊર્જા વિભાગે નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટરમાં વીજ વપરાશ કર્યા પછી મહિનામાં બિલ ભરવાની પદ્ધતિ અત્યારે લાગુ કરવામાં આવી છે.આ પદ્ધતિમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે પ્રિ-પેઇડ સિસ્ટમ લાવવામા આવી છે. આ પ્રિ-પેઇડને સર્વસ્વીકૃત બનાવવા માટે ઊર્જા વિભાગે સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઇડ બિલ ભરનાર ગ્રાહકને 2 ટકા વીજબિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.