ગોંડલના રાજકુમાર જાટનો મૃતદેહ તા.4ના વહેલી સવારે રાજકોટના કુવાડવા રોડ પર તરઘડિયાના બ્રિજ પરથી મળ્યો હતો. પોલીસ અકસ્માતનો કેસ ગણાવી રહી છે. દરરોજ આ મામલે અવનવા ફણગા ફૂટી રહ્યા છે. રાજકુમાર જાટનો મૃતદેહ તા.4ના મળ્યો અને મેડિકલ ઓફિસર પાસે પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું ત્યારે કુવાડવા પોલીસે કરેલું ઇન્કવેસ્ટ પંચનામું ભાસ્કરને હાથ આવ્યું છે અને આ પંચનામામાં મૃતદેહ પર 11 ઇજાના નિશાન દર્શાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીયછે કે, મેડિકલ ઓફિસરે કરેલા પ્રથમ પીએમના રિપોર્ટમાં મૃતદેહ પર 17 ઇજા દર્શાવવામાં આવી હતી, જ્યારે ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબોએ કરેલા બીજા પોસ્ટમોર્ટમમાં 42 ઇજા દર્શાવવામાં આવી હતી. આમ રાજકુમારના મૃતદેહ પર થયેલા બે પોસ્ટમોર્ટમ અને પોલીસના ઇન્કવેસ્ટ પંચનામામાં ઇજાના નિશાન મુદ્દે ભારે વિસંગતતા જોવા મળી હતી. આ બાબતે પોલીસ અને પ્રથમ પીએમ કરનાર તબીબે ત્રુટિ રાખી દીધી હતી કે રહી ગઇ હતી તે પણ તપાસનો મુદ્દો બન્યો છે. ઇન્કવેસ્ટ પંચનામામાં 31 ઇજા ગાયબ, માત્ર આ 11 ઈજાનો ઉલ્લેખ શંકા-કુશંકા : ઘટના સ્થળે આવેલી કાર અને બાઇકના મુદ્દે પોલીસ અધિકારીઓનું ભેદી મૌન
રાજકુમાર જાટનો તરઘડિયાના બ્રિજ પરથી મૃતદેહ મળ્યો અને એમ્બ્યુલન્સમાં તે મૃતદેહ ચડાવવાની કાર્યવાહી થઇ રહી હતી તે વખતે એમ્બ્યુલન્સની પાછળ એક એસયુવી કાર અને રોંગ સાઇડમાંથી બીજી એસયુવી કાર ધસી આવી હતી તથા રોંગ સાઇડમાંથી એક બાઇક પણ આવ્યું હતું. આ મામલે દિવસો વીતી ગયા છતાં તે વાહનોમાં કોણ આવ્યું હતું?, તે વાહનો કોના છે તે મુદ્દે પોલીસે મૌન સેવી લીધું છે. પંચનામું : હજારો વાહનો પસાર થઈ ગયા હોય ગુનાના કામે ઉપયોગી થાય તેવું કંઇ મળ્યું નથી
તા.10 ફેબ્રુઆરીના કુવાડવા પોલીસે એફએસએલ અધિકારી અને બે સાક્ષીઓને સાથે રાખી મૃતદેહ જ્યાંથી મળ્યો હતો ત્યાંનું પંચનામું કર્યું હતું. આ પંચનામામાં સ્પષ્ટપણે તેવું દર્શાવવામાં આવ્યું હતું કે, ઘટના તા.3ની મધરાતના બની હતી અને પંચનામું તા.10ના થઇ રહ્યું હોય ઘટનાસ્થળ તરઘડિયા બ્રિજ પરથી હજારો વાહન ચાલી ચૂક્યા હોય આ પંચનામા વખતે ગુનામાં કામ આવે તેવા એકપણ ડાઘ ચિહ્ન મળ્યા નથી.