અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 28 માર્ચે ગાગડીયા નદીમાંથી એક મહિલાની નગ્ન લાશ મળવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના પીપરા ગામની જમુબાઈ ગોટીયા રાવતલે તરીકે થઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ શરીર પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી પોલીસને આપઘાતનો કેસ લાગ્યો હતો. જો કે, વધુ તપાસ માટે લાશને ભાવનગર ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી છે. આ રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિની ફરિયાદ પરથી મધરાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા મહિલાની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે. લાઠી પોલીસ સ્ટેશનના PI એસ.એમ.સોનીના નેતૃત્વમાં હત્યારાઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.