મુંબઈથી સુરતમાં હાઈબ્રિડ ગાંજો ઘૂસાડવાના ખેલનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા એક 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવક પાસેથી 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાને સ્કૂલબેગમાં સંતાડીને સુરતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી
સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.વેકરીયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. આ દરમિયાન નિયોલ ચેક પોસ્ટ ખાતે હાજર પોલીસકર્મીને બાતમી મળી હતી કે, હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે. જેથી, નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા-સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી. મુંબઈના બંને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયા
સારોલી પોલીસે બાતમી આધારે આરોપી કેનીલ સુભાષભાઇ પટેલ (ઉ.વ.23 ધંધો-વેપાર રહે. જહાગીરપુરા, સુરત અને રાંદેર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્કૂલબેગમાંથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો જેનુ કુલ વજન 998 ગ્રામ જેની કુલ કિં.રૂ. 29.94 લાખનો મળી આવ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનીલ પટેલની ધરપકડ કરવામા આવી છે. આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા શખસ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હીતેષભાઇ સોની નાઓને બંન્નેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખેલમાં કોણ-કોણ સામેલ છે તેની તપાસ કરાશે
સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 10000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.04 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘૂસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ખેલમાં કોણ-કોણ સામેલ છે? તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.