રાજકોટના રેલવે ડિવિઝનમાં ગત 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં કૂલ 1.11 કરોડ મુસાફરો નોંધાયા છે એટલે કે રોજ 30,410 જેટલા નાગરિકોએ આ ડિવિઝનની ટ્રેનની મુસાફરી કરી છે. જેને લઈને હાલ આવકનો નવો રેકોર્ડ સ્થપાયો છે. આમ છતાં હજુ પણ રાજકોટ કે જ્યાં સૌરાષ્ટ્રભરના નાગરિકો મુસાફરી માટે આવે છે તેઓને લાંબા અંતરની પૂરતી ટ્રેન સુવિધા મળી નથી. ટ્રેનો શરૂ કરવાથી કોઈ ખોટ જાય તેમ નથી ઉલ્ટાની આવક વધે તેમ હોવાથી રેલવે મંત્રી સુવિધા વધારે એવી માંગ ખુદ ભાજપના સાંસદોએ પણ વારંવાર કરી છે તેમછતાં ટ્રેનો વધારવામાં આવતી નથી તેમજ હરિદ્વારની દૈનિક ટ્રેન અને અમદાવાદ આવતી ટ્રેન લંબાવાતી નથી! ગત વર્ષે ડિવિઝનને રૂ. 2276.34 કરોડની આવક થઈ હતી
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમારનાં જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ ડિવિઝને ઐતિહાસિક આવક મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે તેમજ સર્વાંગી વિકાસની દિશામાં ધ્વજ લહેરાવ્યો છે. ગત વર્ષે ડિવિઝનને રૂ. 2276.34 કરોડની આવક થઈ હતી તો આ વર્ષે તેના રેકોર્ડ તોડી 8 ટકાના વધારા અને રૂ. 177.34 કરોડની વધુ આવક સાથે કુલ રૂ. 2453.68 કરોડની કમાણી થઈ છે. મુસાફરોની આવકમાં પણ બમ્પર વધારો થયો છે
ગત વર્ષે માલ પરિવહનમાં સૌથી વધુ રૂ. 1871.12 કરોડ જેટલી આવક થઈ હતી. જેની તુલનાએ આ વર્ષે 8.24 ટકાના વધારા અને રૂ. 154.16 કરોડની વધુ આવક થતા કુલ રૂ. 2025.28 કરોડની આવક માલ પરિવહન દ્વારા થઈ છે. આવી જ રીતે મુસાફરોની આવકમાં પણ બમ્પર વધારો થયો છે. જેમાં 2024-25નાં નાણાકિય વર્ષમાં મુસાફરીથી કુલ રૂ. 398.10 કરોડની આવક નોંધાઈ છે. જે ગતવર્ષના રૂ. 374.12 કરોડ કરતા રૂ. 23.98 કરોડ વધારે છે. રાજકોટ ડિવિઝનમાંથી લગભગ 1.11 કરોડ લોકોએ મુસાફરી કરી
રાજકોટ રેલવે ડિવિઝને નાણાકીય વર્ષ 2024-25માં 10.81 મિલિયન મેટ્રિક ટન માલસામાન લોડ કર્યો હતો. જેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, ઔઘોગિક મીઠું, કન્ટેનર, ખાતરો, કોલસો, એલપીજી, સોડા એશ, સિમેન્ટ, અનાજ વગેરેનો સમાવેશ થાય છે તો બીજી તરફ મુસાફરોની આવકમાં ગયા વર્ષ કરતાં 6.5 ટકાનો વધારો થયો છે. રાજકોટ ડિવિઝનમાંથી લગભગ 1.11 કરોડ લોકોએ મુસાફરી કરી છે. આ રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે. ટ્રેનો લંબાવવાની વાતો હજુ પણ હવામાં
નોંધનીય છે કે, રાજકોટ ડિવિઝનમાં મુસાફરોની સંખ્યા તેમજ આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ છતાં પણ હરિદ્વાર જવા લોકોની તીવ્ર માંગ સંતોષવા દૈનિક ટ્રેન અપાઈ નથી. અમદાવાદ સુધી આવતી 6 ટ્રેનો રાજકોટ લંબાવવા પણ વારંવાર રજૂઆત કરવી પડી છે. ઉપરાંત રાજકોટ ચેમ્બર દ્વારા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માલ મોકલવામાં અનુકૂળતા રહે તે માટે કન્ટેનર ડેપો આપવા માટેની માંગ પણ હજુ અધુરી છે ત્યારે માત્ર આવકોમાં થતા વધારાથી વાહવાહી લૂંટતા અધિકારીઓ લોકોની સુવિધા વધારવા માટે પણ પગલાં લે તે જરૂરી છે.