સુરતમાં રામ નવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે. કોઈ અઇચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ
6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઊજવણી કરવામાં આવશે. આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. રામ નવમી રેલીના રૂટ પર ખાસ નજર રખાશે
શહેરમાં રામ નવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે. આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે, જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે. સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે, જો કોઈ શખસ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.