કર્ણાટકના દાવણગેરે જિલ્લાના એક વ્યક્તિએ લોન ન મળતાં બેંકમાંથી 17 કિલો સોનું લૂંટી લીધું. પોલીસે જણાવ્યું હતું કે ચોરીનો મુખ્ય આરોપી વિજયકુમાર (30 વર્ષ) આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેણે ઓગસ્ટ 2023માં SBI બેંકમાં 15 લાખ રૂપિયાની લોન માટે અરજી કરી હતી, પરંતુ તેની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આનાથી ગુસ્સે થઈને તેણે બેંકમાંથી 13 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લીધું. પોલીસે જણાવ્યું કે આરોપી વિજયકુમારને ચોરીનો વિચાર સ્પેનિશ ક્રાઈમ ડ્રામા સીરીઝ ‘મની હાઈસ્ટ’ પરથી આવ્યો હતો. આ પછી, તેણે યુટ્યુબ વીડિયો જોઈને 6-9 મહિનામાં બેંક લૂંટવાનો પ્લાન ઘડ્યો. બેંક લૂંટવામાં, તેણે તેના ભાઈ અજયકુમાર, બનેવી પરમાનંદ અને અન્ય ત્રણ સાથીઓ અભિષેક, ચંદ્રુ અને મંજુનાથની પણ મદદ લીધી. હાલમાં પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે. બેંક લૂંટ માટે પ્લાન ઘડ્યો, ઘણી વખત બેન્કની રેકી કરી
પોલીસે જણાવ્યું કે આરોપી વિજય કુમારે તેના પાંચ સાથીઓ સાથે મળીને ઘણા મહિનાઓથી બેંક લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. વિજયકુમાર અને ચંદ્રુએ ઘણી વખત બેંકની રેકી કરી. તેઓએ રાત્રે નિર્જન ખેતરોમાંથી બેંકમાં જવા માટે એક મોકડ્રીલ કરી. આ પછી ગેંગ બારીમાંથી બેંકમાં ઘૂસી. સાયલન્ટ હાઇડ્રોલિક આયર્ન કટર અને ગેસ કટરના સાધનોનો ઉપયોગ કરીને બેંક લોકર્સ તોડવામાં આવ્યા હતા. કોઈએ ફોનનો ઉપયોગ કર્યો ન હતો. તેઓ સીસીટીવીનું ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) પણ લઈ ગયા. જેથી પોલીસને કોઈ કડી મળે નહીૂં. વિજયકુમારે સુરક્ષા બેરિયર કાપવા માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન સિલિન્ડરોના સીરીયલ નંબરો પણ ભૂંસી નાખ્યા. આ ટોળકીએ સ્ટ્રોંગ રૂમ અને મેનેજરની કેબિન સહિત સમગ્ર બેંકમાં મરચાંનો પાવડર ફેલાવ્યો હતો, જેથી પોલીસને તપાસ કરવામાં મુશ્કેલી પડે. પોલીસે ઘણા રાજ્યોમાં આરોપીઓની શોધ કરી ચોરી બાદ, ગેંગે ચોરેલું સોનું વેચવાનું શરૂ કર્યું. આમાંથી મળેલા પૈસાનું બિઝનેસ અને ઘર ખરીદવા માટે રોકાણ કરવામાં આવ્યું હતું. અહીં, પોલીસ તપાસ ટીમે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન, પોલીસે તમિલનાડુનું એક નેટવર્ક શોધી કાઢ્યું, જે સ્થાનિક લોકોના સહયોગથી કામ કરી રહ્યું હતું. આની મદદથી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. આ પછી, પોલીસે તમિલનાડુના મદુરાઈ જિલ્લાના ઉસીલમપટ્ટી વિસ્તારમાં ચોરાયેલા સોનાને શોધવા માટે એક મોટી કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન, નિષ્ણાત તરવૈયાઓની મદદથી, પોલીસ ટીમે 30 ફૂટ ઊંડા કૂવામાંથી એક લોકર શોધી કાઢ્યું, જેમાં લગભગ 15 કિલો સોનું છુપાયેલું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિજયકુમારે લોકરને કૂવામાં છુપાવવાનો પ્લાન બનાવ્યો હતો. 2 વર્ષ પછી તેને કાઢવાનો પ્લાન કર્યો હતો, જેથી કોઈને શંકા ન થાય. હાલમાં પોલીસે બધુ સોનું જપ્ત કરી લીધું છે.