ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત હદમાં આવેલ જમીન ભૂતકાળમાં ડેમ માટે સંપાદન કરી હતી જે જમીન હાલે GIDC દ્વારા કબજો લેવાની તજવીજ કરતા સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાના વલવાડા ગામની અંદર વાપી ઔદ્યોગિક એકમને પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે હેતુથી આજથી 40 એક વર્ષ પહેલા દમણ ગંગા નદીની અંદર બાંધ બાંધવામાં આવ્યો હતો. જે તે સમયે નદી તટની આજુબાજુ જમીન સંપાદિત કરવામાં આવી હતી. નદી કિનારાને લાગેલ વલવાડ ગામની હદમાં આવેલી કેટલીક જમીન પણ સંપાદિત કરવામાં આવી હતી. સંપાદિત થયેલી જમીન પૈકી કેટલીક જમીનનો ઉપયોગ ન કરાતા જેતે સમયથી સ્થાનિકો તેમજ મૂળ જમીન માલિકના વારસદારો કબજો ધરાવે છે. ટ્રાન્સપોર્ટ નગર સ્થાપિત કરવાના હેતુ માટે સંપાદિત જમીનનો હાલે કબજો લેવાની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના મત મુજબ વર્ષો પહેલા બાંધ (ડેમ) નિર્માણના હેતુ માટે જમીન સંપાદિત કી હતી સદર જમીન ખાતે ટ્રાન્સપોર્ટ નગર સ્થાપિત કરવા માટે જમીનનો કબજો લેવામાં આવી રહ્યો છે જે બદલ સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં મામલતદાર સહિત અધિકારીઓને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.