બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન, સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે ભાજપ પ્રમુખની ચૂંટણીમાં વિલંબ પર કટાક્ષ કર્યો. અખિલેશે કહ્યું- ભાજપમાં એક સ્પર્ધા ચાલી રહી છે કે કોણ મોટું છે. જો પાર્ટી એવું કહેતી હોય કે તે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. તો તે એ નક્કી નથી કરી શકતી કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે. આના પર ગૃહમંત્રી અમિત શાહ પોતાની બેઠક પરથી ઉભા થયા અને હસતાં હસતાં કહ્યું- સામેની બધી પાર્ટીઓના રાષ્ટ્રીય અધ્યક્ષ ફક્ત 5 લોકોમાંથી, પરિવારમાંથી પસંદ કરવાના છે. અમારી પાસે અહીં કરોડો લોકો છે. તેમાં સમય તો લાગશે. વધુમાં અમિત શાહે કહ્યું- અખિલેશજીએ આ વાત હસતાં હસતાં કહી, એટલે હું પણ હસતાં હસતાં જ કહી રહ્યો છું. તમારા (અખિલેશના) ત્યાં જરાય સમય નહીં લાગે. હું કહું છું તમે 25 વર્ષ સુધી અધ્યક્ષ છો… જાઓ… આ પછી અખિલેશે હસતાં હસતાં ફરી કહ્યું- હમણાં જે સફર થઈ છે નાગપુરની અને સોશિયલ મીડિયા પર જે ગુપચુપ ચાલી રહી છે. તે 75 વર્ષના વિસ્તરણની યાત્રા તો નથી ને. પ્રધાનમંત્રી મોદી 30 માર્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગપુર ગયા હતા. અખિલેશનો સંકેત આ પ્રવાસ અંગે હતો. આ મહિને થશે નવા ભાજપ પ્રમુખની જાહેરાત
ભાજપને આ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત બાદ ચૂંટણીપ્રક્રિયામાં વેગ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 માર્ચે મોદી અને RSSના વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાતમાં નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી. મોદી નાગપુરથી પાછા ફર્યા પછી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી. વડાપ્રધાને વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષને રાજ્યોની સંગઠનાત્મક ચૂંટણીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને નડ્ડા અને બીએલ સંતોષને આ મહિને જ ભાજપ અધ્યક્ષ ચૂંટણી પૂર્ણ કરવા જણાવ્યું છે. ભાજપે અત્યારસુધીમાં 13 રાજ્યમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવા માટે 19 રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ કરવી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત બાકીનાં મોટા ભાગનાં રાજ્યોના પ્રદેશ પ્રમુખોનાં નામ આગામી અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવશે. એનો અર્થ એ કે 50 ટકા રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો… સપા 33 વર્ષ જૂની પાર્ટી, અખિલેશ બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ
જનતા દળથી અલગ થયા બાદ મુલાયમ સિંહ યાદવે 4 ઓક્ટોબર, 1992ના રોજ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સપાના પહેલા પ્રમુખ બન્યા અને બે વાર યુપીના મુખ્યમંત્રી બન્યા. આ પહેલા તેઓ જનતા દળ તરફથી એક વખત યુપીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મુલાયમ પછી તેમના પુત્ર અખિલેશ યાદવ યુપીના મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. અખિલેશ યાદવ હાલમાં ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી સાંસદ છે. સાંસદ બેઠક જીત્યા બાદ તેમણે ધારાસભ્ય પદ છોડી દીધું. અખિલેશની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી સીટથી સાંસદ છે. તેમણે બીજી વખત આ બેઠક જીતી. ભોપાલમાં વક્ફ સુધારા બિલના સમર્થનમાં આતશબાજી મધ્યપ્રદેશના ભોપાલમાં, મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ વકફ સુધારા બિલના સમર્થનમાં ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી. આનંદપુરા અને કોકટા વિસ્તારોમાં, બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓ હાથમાં ગુલાબ પકડીને બેઠી હતી. તેમના હાથમાં ‘આભાર, મોદીજી’ અને ‘અમે મોદીજીને ટેકો આપીએ છીએ’ લખેલા પ્લેકાર્ડ હતા. ભોપાલમાં હાથાઈ ખેડા ડેમ પાસે પણ ઉજવણી કરવામાં આવી હતી.