ગુજરાતમાં વર્ષ 2024માં વીજ વિભાગની સ્માર્ટ મીટર યોજના લાગૂ થયા બાદ અમૂક જગ્યાએ તેનો વિરોધ થયો હતો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ આવી હતી. જોકે આ વચ્ચે પણ PGVCLનું સ્માર્ટ મીટર સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખમાંથી 1.22 લાખ ઘરો, પ્રીમાઇસિસમાં મૂકવામાં આવી ચૂક્યું છે. જોકે હવે આ સ્માર્ટ મીટર પ્રિ-પેઇડના બદલે પોસ્ટ પેઇડ જ નાખવામાં આવી રહ્યા છે. એટ્લે કે પહેલા મોબાઇલમાં રિચાર્જ કરાવવું પડતું હતું અને હવે 2 મહીને વીજ બિલ આવે છે. સ્માર્ટ મીટર એ ખરેખર સ્માર્ટ છે તેના માટે PGVCLના અધિકારીઓ ઘરે-ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે. સ્માર્ટ મીટરથી ઓનલાઇન બિલિંગ, વીજ વપરાશ પર કંટ્રોલ, ફોલ્ટી વીજ ઉપકરણોનું નોટીફિકેશન મેળવવાથી વધુ વીજ બિલ અટકાવી શકાય છે અને વીજ અકસ્માતો પણ નિવારી શકાય છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લોકો માટે ફાયદારૂપ છે અને જૂના ડિજિટલ મીટર અને સ્માર્ટ મીટરમાં વીજ યુનિટના રીડિંગ એક સરખા થાય છે તેના માટે ચેક મીટર તો છે જ. જોકે મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત થઈ ત્યારે જુના એરિયર્સના કારણે લોકોને વીજ બિલ વધુ આવતું હતું અને તેથી તેમને એવું લાગ્યું કે સ્માર્ટ મીટર આવ્યા પછી વીજબીલ વધ્યું છે અને તેનાથી વિરોધ થયો અને બાદમાં PGVCLમાં પણ સ્માર્ટ મીટર પ્રિપેડના બદલે હવે પોસ્ટપેડ એડ કરવું પડ્યુ. સરકારી કચેરીઓના મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરાઈ રહ્યા છે
PGVCLના રાજકોટ શહેરના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર જે.બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પીજીવીસીએલ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે. જેમાં વિવિધ કેટેગરીમાં 55 લાખ જેટલા કસ્ટમર છે. રાજકોટ શહેરમાં 7 લાખ ગ્રાહકો છે. જે પૈકી 42,396 મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થયા છે. હાલ તમામ સરકારી કચેરીઓના મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકારી કોલોની, પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓને ત્યાં તેમજ નવા વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે. બંને મીટરની એક્યુરસી સરખી
અત્યારે મોટાભાગના ગ્રાહકોના ઘરે ડિજિટલ મીટર છે. જે એક્યુરેટ ડિજિટલ મીટર છે. આ મીટર અને નેક્સ્ટ જનરેશન સ્માર્ટ મીટર જે ઇન્ટ્રોડ્યુસ થયા છે તે બંને વચ્ચે ફક્ત તફાવત એટલો છે કે સ્માર્ટ મીટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેનું સીમકાર્ડ આવેલું હોય છે બાકી બંને મીટરની એક્યુરસી સરખી છે. જે વીજ વપરાશ જુના ડિજિટલ મીટર નોંધતા હતા તે જ વીજ વપરાશની નોંધણી સ્માર્ટ મીટરમાં થઈ રહી છે. જેથી બંને મીટરની વચ્ચે એક્યુરસી બાબતનો કોઈ જ તફાવત નથી. જેથી ગ્રાહકોમાં જે ભ્રમણાઓ ફેલાયેલી છે કે સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશ નોંધવામાં આવે છે અને તેના કારણે તેમને આર્થિક નુકસાન જાય છે તે સદંતર ખોટું છે. મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી વીજ વપરાશ નિયંત્રિત
સ્માર્ટ મીટરના જે ડેટા ટ્રાન્સફર થાય છે તેનો લાભ ગ્રાહકોની જેમ વીજ વિતરણ કંપનીઓને પણ થાય છે. ગ્રાહકોને ફાયદો એ છે કે પોતાની મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના વીજ વપરાશને નિયંત્રિત કરી શકે છે. જેને લીધે પોતાના ઘરમાં જે જુદા જુદા વીજ ઉપકરણો છે એ પૈકી વીજ ઉપકરણો તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ વીજ વપરાશ કરે છે કે નહીં તેની જાણકારી પણ મેળવી શકે છે. ગ્રાહક પોતાની રીતે વીજ ઉપકરણ ટ્રેક કરી શકશે
અત્યારે જ્યારે ગ્રાહકોને વીજ બીલ આપવામાં આવે છે ત્યારે કોઈ વીજ ઉપકરણ ફોલ્ટી થયેલ હોય અને તેના કારણે તે મહિનામાં વીજ વપરાશ વધુ નોંધાયો હોય તો ગ્રાહકને જ્યારે બિલ મળે ત્યારે જ તેની જાણકારી મળે છે અને તેથી ગ્રાહકને એમ થાય છે કે અમારું વીજ મીટર ફાસ્ટ થઈ ગયું છે. હકીકતમાં એવું હોતું નથી. જોકે સ્માર્ટ મીટર આવતાં જ ગ્રાહક પોતાની રીતે આ પ્રકારના વીજ ઉપકરણ ટ્રેક કરી શકશે અને તે વીજ ઉપકરણ આઇડેન્ટીફાય કરી તેમાં તુરંત સમારકામ કરી શકશે અને આ રીતે ફોલ્ટ થયેલા વીજ ઉપકરણને કારણે વીજ વપરાશમાં થતો વધારો તુરંત જ અટકાવી શકશે અને વીજ બચત કરી શકશે. ખરાબ વીજ ઉપકરણોના નોટિફિકેશનથી અકસ્માતો નિવારી શકાય
આ ઉપરાંત ગ્રાહક પોતાનું વીજ બીલ પોતાની મોબાઇલ એપ્લિકેશનથી ડાઉનલોડ કરી શકશે. મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ પોતાનું વીજ બીલ ભરી શકશે. સ્માર્ટ મીટરના આવવાથી સ્માર્ટ મીટરે ટ્રાન્સફર કરેલા ડેટા મુજબ જ બિલ બનશે. જેથી બિલ બનાવતી વખતે થતી માનવીય ભૂલને પણ નિવારી શકાશે. આ ઉપરાંત સ્માર્ટ મીટરનો અન્ય ફાયદો એ છે કે ગ્રાહકના ઘરમાં લાગેલા કોઈ પણ વીજ ઉપકરણમાં ક્યાંય અર્થ લીકેજ થયું હોય તો સ્માર્ટ મીટરમાં અર્થ લીકેજનું ઇન્ડિકેશન આવે છે. જે ઇન્ડિકેશન કોઈપણ લીકેજને કારણે ઓન થાય છે ત્યારે ગ્રાહકને મોબાઇલમાં તેનું નોટિફિકેશન આવે છે આવા ઉપકરણને અડકી જવાથી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે તે પણ અટકાવી શકાય છે. જેથી વીજ અકસ્માતો અગાઉ જ અટકાવી શકાય છે. વીજ બિલ ઘટાડવા પ્લાનિંગ કરી શકશે
આ ઉપરાંત સ્માર્ટ મીટરના ઉપયોગથી ગ્રાહક પોતાની વીજ બચત કઈ રીતે કરવી, વીજ ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે વીજ બિલ ઘટાડવું તે નક્કી કરી પ્લાનિંગ કરી શકશે. ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં વિચારીએ તો જેમ વધુ ગ્રાહકો વીજ બચત અને વીજ સંરક્ષણ કરશે તેમ વીજ ઉત્પાદન પણ ઓછું થશે અને તેના કારણે આપણા બધાની કાર્બન ફૂટ પ્રિન્ટ પણ ઘટશે. આ રીતે ગ્લોબલ વોર્મિંગમાં પણ સ્માર્ટ મીટરધારકો ફાળો આપી શકશે. સ્માર્ટ મીટર લગાડવાની તારીખના દિવસે એરિયર્સ હતી
જ્યારે શરૂઆતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા ત્યારે તે મોડમાં ઘણા ગ્રાહકો હતા કે જેઓને સ્માર્ટ મીટર લગાડવાની તારીખના દિવસે એરિયર્સ પણ હતી. જે વીજ બિલની એરિયર્સ હતી કે જે તેઓએ ભરેલી ન હતી. જેથી એરિયર્સને જ્યારે તેઓ પોતાના દૈનિક વપરાશ સાથે સરખામણી કરવા ગયા ત્યારે તેઓને એવું લાગ્યું કે મારું વીજ મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થયા પછી વીજ બિલ કે જેઓ ડેઇલી પોતાની મોબાઇલ એપ્લિકેશનથી જોતા હતા તેમાં ઘણો બધો વધારો થયો છે પરંતુ તે સાચી હકીકત ન હતી. આ પ્રકારના લોકોની એરિયર્સ જ જે તે વખતે એટલી હતી કે જે પોતાના દૈનિક વીજ વપરાશ સાથે સરખામણી કરતી વખતે ગેરસમજણના કારણે એમને એવું લાગ્યું કે અમારો સ્માર્ટ મીટર ફાસ્ટ છે. જે સદંતર ખોટી વાત છે. એનાલિસિસ કરવા સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ મૂકીએ છીએ
હવે જ્યારે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે અને ગ્રાહક પોતાની રીતે એનાલિસિસ કરવા માગતું હોય તો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ મૂકીએ છીએ. આ બંને મીટરની અંદર રીડિંગ દરરોજ કઈ રીતે લેવા તેની માહિતી આપે છે અને બંને મીટરમાં નોંધાતા વીજ વપરાશનું કમ્પેરીઝન પણ કરી શકે છે કે બન્ને વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશ એક સરખો છે. આ રીતે સ્માર્ટ મીટર ફાસ્ટ નથી તેવી પોતે જ પોતાની રીતે ગ્રાહક ખરાઈ કરી શકે છે. જેના માટે સબ ડિવિઝનમાં ગ્રાહકને પૂરતી માહિતી આપવામાં આવે છે. સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ એટલું જ બિલ આવે છે
સ્માર્ટ મીટર જ્યા લગાવેલું છે તે ગ્રાહક ડૉ. આર. એમ. સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં મારા ઘરે સ્માર્ટ મીટર લગાવેલું છે. પહેલાં મારે ત્યાં જે વીજબીલ આવતું હતું તેટલું જ વીજબિલ હાલ આવે છે. મારે 3 ફેઝ છે એટ્લે 2 મહિને 5000 જેટલું બિલ આવતું હતુ. સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ એટલું જ બિલ આવે છે. આ સ્માર્ટ મીટરથી ઓનલાઇન પેમેન્ટ કરી શકું છું. ઘરમાં વીજ ઉપકરણોના વપરાશ પર કંટ્રોલ કરી શકું છું. મારે ત્યાં સોલાર મીટર પણ લગાવેલું છે. વીજ યુનિટના રીડિંગમાં સ્માર્ટ મીટરની એકયુરસી સારી છે. જેટલો વીજ વપરાશ થયો હોય તેટલા જ યુનિટ સ્માર્ટ મીટરમાં બતાવે છે. 2 મહિના બાદ ખ્યાલ આવશે કે બિલમાં ફેરફાર થયો છે કે નહીં
આ ઉપરાંત અન્ય ગ્રાહક આદિત્ય હાઇટ્સ 702માં રહેતાં નીતિન મહેતાએ જણાવ્યું હતુ કે, અમારું પહેલા નોર્મલ ડિજિટલ મીટર હતું અને એક મહિના પહેલા સ્માર્ટ મીટર લગાવવામાં આવેલું છે. સ્માર્ટ મીટરથી કન્ઝ્યુમરને ખબર પડે કે તેનો વીજ વપરાશ કેટલો થાય છે. જોકે 2 મહીના પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે બિલમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં. સ્માર્ટ મીટર એ લેટેસ્ટ ટેકનોલોજી છે અને તેને આપણે આવકારવી જોઈએ. સ્માર્ટ મીટરથી આપણને ખબર પડશે કે આપણો કેટલો વીજ વપરાશ છે અને તેનો કંટ્રોલ પણ આપણે જ કરી શકીએ છીએ. સૌરાષ્ટ્ર-કચ્છમાં કઈ જગ્યાએ કેટલા સ્માર્ટ મીટર લાગ્યા આ રીતે કામ કરે છે સ્માર્ટ મીટર એપ