રાજકોટના કુવાડવા રોડ આણંદપર નવાગામમાં ગઈકાલે બપોરે સાબુની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા 7 ફાયર ફાઇટરની મદદથી 60 જવાનો દ્વારા સાંજે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે કે, આ ઈન્ડસ્ટ્રીઝ વર્ષ 2007થી એટલે કે 18 વર્ષથી રૂડા(રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ)ની મંજૂરી વિના ધમધમતી હતી. હવે આગ લાગી ત્યારે કૂવો ખોદ્યાની માફક રૂડાએ નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરશે. જોકે, આ દરમિયાન રૂડાની કચેરીમાં જ આગ બુઝાવવા માટેના સાધનો એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું છે. 2007માં ફેક્ટરીનો માત્ર લે-આઉટ પ્લાન જ મંજૂર કરાયો હતો
રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જી. વી. મિયાણીએ જણાવ્યું હતું કે, આણંદપર નવાગામમાં જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું કે, વર્ષ 2007માં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેક્ટરીનો માત્ર લે-આઉટ પ્લાન જ મંજૂર કરવામાં આવ્યો હતો. અન્ય કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી એટલે કે વિકાસ પરવાનગી અને બિલ્ડીંગ યુઝ પરમિશન લેવામાં આવી ન હતી. જેથી, તેમને નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રૂડાના અધિકારીઓ ફિલ્ડ વિઝિટમાં જાય છે પણ કાર્યવાહી નથી થતી
વર્ષ 2007 બાદ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ રૂડામાં રજૂ કરવામાં આવ્યા નથી. કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાથી ઇન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર છે. જે-તે ડેવલોપર્સ દ્વારા સંસ્થાની મંજૂરી લેવામાં આવતી હોય છે. જ્યારે તેઓએ એવું સ્વીકાર્યું હતું કે, રૂડાના અધિકારીઓ ફિલ્ડ વિઝિટમાં જાય છે અને જુએ પણ છે કે, આ ગેરકાયદેસર છે પરંતુ, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા નથી. જોકે, હવે રૂડામાં આવા કેટલા પ્રકારના ગેરકાયદેસર બાંધકામ છે? તેની ચકાસણી કરવામાં આવશે. રૂડાની કચેરીમાં જ અગ્નિશામક યંત્રો એક્સપયરીવાળા
શહેરમાં વધતી આગની ઘટનાઓ વચ્ચે RUDAની કચેરીમા ફાયરના સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. અગ્નિશામક યંત્રો 8 માર્ચ, 2025ના જ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા 700 કરતાં વધુ બિલ્ડીંગઓને નોટિસો આપવામા આવેલી છે ત્યારે RUDAની ઓફિસમાં જ કાટ ખાઇ ગયેલા ફાયર સાધનો છે. સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી થતી નથી તે પણ એક સવાલ છે. આ બાબતે RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીએ જણાવ્યું હતું કે, ફાયર સાધનો ગત વર્ષે જ રીન્યુ કર્યા હતા. રીન્યુ કરવા માટેની સૂચના આપી છે. ફાયર સુરક્ષાના સાધનો ફિટિંગ કરવા ટેન્ડર પ્રક્રિયા કરી છે. ટેન્ડરમાં એક જ એજન્સી આવતા રી-ટેન્ડર કરવામાં આવ્યું. અંદાજીત 1 મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. જોકે, મહત્વની વાત એ છે કે સામાન્ય લોકોને 7 દિવસની નોટિસ અને સરકારી કચેરીમાં 1 મહિને તો ટેન્ડર થશે.