દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર મહાનાટક ‘જાણતા રાજા’નો શો વડોદરામાં 3થી 6 એપ્રિલ દરમિયાન નવલખી મેદાન ખાતે યોજાશે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાના શુકદેવવેદ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સમિતિ દ્વારા ‘જાણતા રાજા’ મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટકના 4 શો વડોદરામાં યોજાશે, જેમાં પહેલો આખો શો સાંસદ ડૉ. હેમાંગ જોષીએ 35 લાખમાં ખરીદી લીધો છે. નરેન્દ્ર મોદી CM હતા ત્યારે આ મહાનાટક પહેલીવાર વડોદરામાં આવ્યું હતું
નાટકના સંયોજક શાંતનું શુકદેવકરે જણાવ્યું હતું કે, આ નાટકમાં 200થી વધુ કલાકારો તેમજ 100થી વધુ ટેકનિશિયન સ્ટેજ પર કામ કરશે. અહીં પુણે અને વડોદરાના કલાકારો સ્ટેજ પર નાટકનું મંચન કરશે. નાટકમાં હાથી, ઘોડા અને ઊંટ પણ જોવા મળશે. આ નાટક પ્રબુદ્ધ નાગરિકો સુધી પહોંચે તે માટે ભાજપ પરિવાર દ્વારા તા.3ના રોજ શિક્ષણ સમિતિના બાળકો, વાલીઓ જોઈ શકે તે માટે નિઃશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર હતા ત્યારે વડોદરામાં પહેલીવાર આ મહાનાટકનો શો યોજવામાં આવ્યો હતો. નાટકના મંચન માટે ઘોડા, ઊંટ અને બળદગાડાનો ઉપયોગ કરાશે
વધુમાં તેઓએ જણાવ્યું કે, અન્ય લોકો માટે આ શોની ટિકિટ 750 રૂપિયાથી લઈને 1500 રૂપિયા રાખવામાં આવી છે. સાંજે 7.30 વાગ્યે આ શો શરૂ થશે, જેની ભાષા હિન્દી રહેશે. આ નાટકમાં સ્થાનિક કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ નાટકના અત્યાર સુધી લંડન સહિત વિશ્વમાં 1300 શો થયેલા છે અને દોઢ કરોડથી વધુ લોકોએ આ નાટક નિહાળ્યું છે. નાટકના મંચન માટે ઘોડા, ઊંટ અને બળદગાડાનો ઉપયોગ કરાય છે, જેથી શો ઓપન થિયેટરમાં કરાય છે. 400 વર્ષ પહેલા જે પહેરવેશ હતો તે જ કલાકારો ધારણ કરશે
છત્રપતિ શિવાજી મહારાજનું એક જન્મથી લઈને સિંહાસન પર બેસવા સુધીનું જીવન અજોડ છે. બળવંત મોરેશ્વર પુરંદરે લિખિત આ મહાન નાટકનું મંચન અદ્ભુત છે કે, જે કોઈ તેને જુએ છે તેને વર્ષો સુધી યાદ રહે છે. આ મહાનાટય માટે 36 ટનનું સ્ટેજ 8 ટનનો કિલ્લો બનાવ્યો છે. સ્ટેજની લંબાઈ 100 ફૂટ અને ઊંચાઈ 50 ફૂટ છે. સ્ટેટનો તમામ સમાન પુણેથી આવ્યો છે. 19 ટ્રક ભરીને સામાન પુણેથી વડોદરા લાવવામાં આવ્યો છે અને તૈયારીઓ ચાલી રહી છે. 400 વર્ષ પહેલા જે કપડા પહેરવામાં આવતા હતા તે પ્રકારના જ કપડાં અહીં કલાકારો પહેરશે છે. જેના માટે એક દરજી પણ અહીં આવશે. દેશ-વિદેશમાં નાટકના 1300થી વધુ શો થયા છે.
આયોજન ટીમના સભ્ય હર્ષવર્ધન હરપડેએ જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્ર ઉપરના આ નાટકમાં 200થી વધુ કલાકારો, હાથી, ઘોડા છે. આ નાટકના 1300થી વધુ શો થયા છે. કલાકારોમાં 70 પૂણેના અને 130થી વધુ કલાકારો વડોદરાના છે અને નાટક માટેની 6000 જેટલી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ નાટકની ટિકિટ ઓનલાઇન અને સ્થળ ઉપર બોક્સ ઓફિસમાં પણ ઉપલબ્ધ રહેશે. નાટક માટે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું વડોદરાના તમામ લોકોને અપીલ કરું છું કે આ સોની જોવા માટે જરૂરથી આવો. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 351 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની સંયુક્ત રીતે ઉજવણીના ભાગરૂપે શિવાજી મહારાર્જની જીવનગાથા દર્શાવતું મહાનાટ્ય “જાણતા રાજા”નું મંચન 3 એપ્રિલથી નવલખીમાં થશે. સાંસદે સૌ નાગરિકોને નાટક જોવા આવવા અપીલ કરી
સાંસદ ડૉ. હેમાંગ જોષીએ 35 લાખમાં આખો પ્રથમ શો ખરીદી લીધો છે. છત્રપતિ શિવાજી મહારાજની મહાગાથા જાણતા રાજા દ્વારા દેશ-વિદેશમાં પહોંચી છે. સાંસદ ડો.હેમાંગ જોષીએ વડોદરાના સૌ નાગરિકોને અપીલ કરી છે કે 3થી 6 એપ્રિલ દરમિયાન યોજાનારા આ નાટકના માધ્યમથી રાષ્ટ્રવાદના, સનાતન સંસ્કૃતિના ઇતિહાસથી પોતાના બાળકોને પરિચિત કરાવે.