ગેરકાયદે ફટાકડા બનાવતી દીપક ટેડર્સની આ ફેક્ટરીમાં ગઇ કાલે થયેલા ભયંકર બ્લાસ્ટે 21 લોકોનો જીવન દીપ બુઝાવી દીધો.. દુર્ઘટનાના 24 કલાક બાદ ભાસ્કર ટીમ બુધવાર સવારે 10.30 કલાકે અહીં પહોંચી. 21 લોકોનો જીવ લેનાર ફેક્ટરીનો કોરી ખાય તેવો સન્નાટો અહીંથી પસાર થતાં રસ્તા પર પણ જોવા મળે છે. મુખ્ય ગેટ પોલીસે બંધ કરી દીધો છે. અંદરની સ્થિતિ જાણવા બીજા ગેટની શોધમાં નેળીયા જેવા કાચા રસ્તાથી અમે ફેક્ટરીના પાછળના ભાગે પહોંચ્યા. અહીં છુપાઇને પાર્ક કરેલા પોલીસના વાહનો જોવા મળ્યા, આ ગેટ પણ અંદરથી બંધ હતો. હાજર પોલીસ કર્મીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, અંદર FSL ની ટીમ તપાસ કરી રહી છે. બીજી બાજુ 21 મૃતદેહોને 12 એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ તેમના વતન મોકલાયા હતા. જેમાં 24 ડ્રાઇવર અને 12 કર્મચારીઓ સાથે ગયા છે. એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, FSL ની અત્યાર સુધીની તપાસમાં એલ્યુમિનિયમ પાવડર બ્લાસ્ટનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે. એલ્યુમિનિયમ પાવડર માર્કેટમાંથી સરળતાથી મળી જાય છે. આ પાવડર મેટલ, પેઇન્ટ અને કોટીંગના કામમાં વપરાય છે. ખુલ્લા વિસ્તારમાં એલ્યુમિનિય પાવડર આગના સંપર્કમાં આવે તો કંઇ ખાસ અસર થતી નથી. પરંતુ બંધ રૂમમાં આ પાવડર બ્લાસ્ટ સર્જી શકે છે. હજુ તપાસ ચાલી રહી છે કે, આ પાવડર એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ. આ સાથે ઘટના સ્થળે ઓક્સીડાઇઝ હતુ કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. 1 ફેબ્રુઆરીએ ડીસાના ઢુવા રોડ પર આવેલી દીપક ટેડર્સ નામની ફટાકડા ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટમાં 21 લોકોના મોત થયા હતા. ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ બાદ તાત્કાલિક મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ડીસા મામલતદારની ફરિયાદના આધારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને BNS કલમ 105, 110, 125(એ)(બી), 326(જી), 54 તથા એક્સપ્લોઝીવ એક્ટ 1884 ની કલમ 9(બી), 12 અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 1908ની કલમ 3(બી), 4, 5, 6 મુજબ ગુનો દાખલ થયો છે. પાંચ સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. FSL ટીમ અને કેમિકલ એક્સપર્ટની મદદથી વૈજ્ઞાનિક રીતે તપાસ ચાલી રહી છે. તપાસ માટે અલગ અલગ 7થી વધુ ટીમો બનાવાઈ છે. આ ટીમો તમિલનાડુ, મુંબઈ, અમદાવાદ અને રાજસ્થાનમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. આરોપીઓના મોબાઇલ CDR, બેન્ક એકાઉન્ટ અને દસ્તાવેજોની તપાસથી અન્ય સંડોવાયેલા ઇસમોની માહિતી એકત્ર કરાઇ રહી છે. આરોપીઓના ગોડાઉનમાં મળેલા એલ્યુમિનિયમ પાવડર અને યલો ડોક્સટ્રીન પાવડર ક્યાંથી લાવ્યા અને શું હેતુ હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં ફરાર મુખ્ય આરોપી ખુબચંદભાઇ રેનુમલ મોહનાની અને દીપકભાઇ ખુબચંદભાઇ મોહનાનીને LCB પાલનપુરની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી સાબરકાંઠાથી પકડી લીધા હતા. બંનેને કોર્ટમાં રજુ કરી વધુ રીમાન્ડ મેળવી ગુનાની મૂળ સુધી પહોંચવા તપાસ ચાલી રહી છે. બીજી તરફ FSL, ફાયર બ્રિગેડ, પ્રદૂષણ બોર્ડ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પેટ્રોલીયમ એન્ડ એકસપ્લોજીવ સેફટી ઓગેનાઇઝ અને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. તપાસ ઝડપથી પૂર્ણ કરી આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા કાર્યવાહી કરાશે. રોજગારીની શોધમાં પરિવાર સાથે ગુજરાત આવ્યા અને જીવ ગુમાવ્યો
ગુજરાતમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લામાં શોક છે. મૃત્યુ પામેલા 21 પૈકી મોટાભાગના મૃતકો મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હાંડિયાના અને દેવાસ જિલ્લાના સંદલપુરા અને ખાટેગાંવના હતા. આ તમામ લોકો રોજગારની શોધમાં ગુજરાત ગયા હતા. હકીકતમાં, ગત વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ હરદા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ જિલ્લાની તમામ 12 ફટાકડાની ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી હતી. આ કારણે તેમને કામ મળતું ન હતું. આ તમામ લોકો ફટાકડા બનાવવામાં કુશળ હતા. એટલા માટે કામની શોધમાં ડીસા આવ્યા હતા. ગેરકાયદે ફટાકડા બનાવતી દીપક ટેડર્સ ફેક્ટરીની સ્થળ સ્થિતિ
– કુલ વિસ્તાર : 2342 ચોરસ મીટર
– કુલ બાંધકામ : અંદાજે 1380 ચોરસ મીટર (જેમાં ઓફિસ અને સ્ટોલ અંદાજે 540 ચોરસ મીટર, ગોડાઉન અંદાજે 620 ચોરસ મીટર અને અંદાજે 240 ચોરસ મીટરનો શેડ)
– ખુલ્લી જગ્યા : અંદાજે 820 ચોરસ મીટર
– 2015 માં આ જમીન એનએ થઇ હતી