ગીર સોમનાથમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ટીમે ગીર પંથકના બોરવાવ સ્થિત ધી લાયન ક્લબ ફાર્મ રિસોર્ટમાંથી IPL મેચો પર સટ્ટો રમાડતા બે બુકીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બુકીઓમાં ચાણસ્મા નગર પાલિકાના કોર્પોરેટર ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. SMCની ટીમે બંને બુકીઓ પાસેથી 6 મોબાઇલ ફોન અને રૂ. 46 હજારની રોકડ રકમ જપ્ત કરી છે. તેમના મોબાઇલમાંથી સટ્ટાની એપ્લિકેશનમાં રૂ. 15 લાખનું બેલેન્સ મળી આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બુકીઓ ચાણસ્મા, મહેસાણા, પાટણ અને સુરતના 18 જેટલા પાર્ટનરો સાથે મળીને સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. SMCએ તાલાલા પોલીસ સ્ટેશનમાં બંને બુકીઓ સહિત કુલ 20 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ ગીર પંથકના ફાર્મ હાઉસો અને રિસોર્ટ્સ ગેરકાયદે પ્રવૃત્તિઓના અડ્ડા બની ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.