ભરત સોનારા / કુલદિપ માઢક
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હવે ગીરની પ્રખ્યાત કેસર કેરીની આગમન શરૂ થઇ ગયુ છે. છેલ્લા 2 દિવસથી આવક શરૂ થઇ છે. જેમાં ગુરૂવારે 425 બોક્સની આવક નોંધાઇ હતી. જેમાં કેસર કેરીના 79 અને બાકીના અમદાવાદથી લાલબાગ અને રત્નાગીરીનુ આગમન થયુ છે. યાર્ડના ફળ વિભાગના અધિકારી હરેશ ગજેરાએ જણાવ્યુ કે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી કેસર કેરીનુ આગમન શરૂ થયુ છે. હજુ તો ઓછી માત્રામાં બોક્સની આવક થઇ રહી છે. કેસર કેરીની સાથે અમદાવાદથી લાલબાગ, રત્નાગીરી કેરીની 20 થી 25 કિલોની પેટીની પણ આવક થઇ રહી છે. તેમજ જૂનાગઢ, ઉના વિસ્તારમાંથી કેસર કેરીનુ આગમન થયુ છે. ગુરુવારે કુલ 425 બોક્સની આવક થઇ હતી જેમાં 79 બોક્સ કેસર કેરીના નોંધાયા હતા. હરરાજીમાં બોક્સના ભાવ રૂપિયા 1600 થી 3000 બોલાયા હતા. જ્યારે રત્નાગીરી અને લાલબાગની કેરીના ભાવ રૂપીયા 4000 થી 4500 બોલાયા હતા. ઉપરાંત આ વર્ષે કેસર કેરીનુ આગમન 19 દિવસ મોડુ છે. ગત વર્ષે તારીખ 12 માર્ચથી કેસર કેરીનુ આગમન થયુ હતુ જે આ વર્ષે 1 એપ્રિલથી શરૂ થયુ છે. સ્થાનિક કેરીની આવક માટે રાહ જોવી પડશે
સ્થાનિક કેરીની આવકમાં હજુ સમય લાગી શકે છે કારણકે, થોડા દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે મોર બળી ગયા હતા અને ખાખડીનુ બંધારણ થયુ ન હતુ. આ ઉપરાંત ગીરમાં તો આ વર્ષે 70 ટકાથી પણ વધુ નુકશાન થયુ હોય કેરી ઉત્પાદકોને આર્થિક ફટકો પડ્યો છે.
શહેરમાં ઠેર- ઠેર સ્ટોલ ગોઠવીને કેસર કેરીનુ વેચાણ થતુ હોય છે. જેમાં આ વર્ષે છેલ્લા 2 દિવસથી સ્ટોલ ગોઠવીને વેપારીઓએ કેસર કેરીનુ વેચાણ શરૂ કર્યુ છે.
સરવે શંકાસ્પદ: કેરી ઉત્પાદકો બાગાયતી પાકનો વિમામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઘણા સમયથી કેરી ઉત્પાદકો માંગ કરી રહ્યા છે. જ્યારે આ વર્ષે આંબાવાડીઓમાં મોર બળી જતા ગીર-સોમનાથ જિલ્લામાં તંત્રએ સરવે કર્યો હતો પરંતુ અમુક વિસ્તારમાં સરવે શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરી રી- સરવેની માંગ સાથે કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
કેસર કેરીની સિઝનનો પ્રારંભ ગીરમાંથી થાય છે અને અહીંયા હરાજીનો પ્રારંભ કરાય છે. અહીંયા જ્યારે સિઝન પૂર્ણ થાય બાદમાં વંથલી અને કેશોદ પંથકની કેરી બજારમાં આવતી હોવાનુ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યુ છે.