દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. એક PIએ પોશ વિસ્તારમાં કાર ઠોકી ને સમાધાન પાછળ લાખો ખર્ચ્યા
અમદાવાદ શહેરમાં એક સમયે રસ્તા પર થતી ભીડ અને અકસ્માતની વ્યવસ્થા જોવાની જવાબદારી પોલીસ અધિકારીના માથે હતી. તેમની તાત્કાલિક કોઈ વ્યવસ્થા થઈ અને તેમને પોશ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં આ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ખાનગી કારમાં એસપી રિંગરોડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સેલ્ફ ડ્રાઈવ કરતા આ પીઆઇએ એક સામાન્ય વ્યક્તિની કારને ઠોકી હતી. જેમાં કારને નુકસાન થયું હતું. આ કાર અકસ્માત થયા બાદ વ્યક્તિએ ફરિયાદ કરવા તૈયારી દર્શાવતા ત્યારે પીઆઇએ લાગતા વળગતાને ફોન કર્યા અને સેટલમેન્ટ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોવાની હાલ અમદાવાદમાં ચર્ચા છે. એવી પણ ચર્ચા છે કે, આ પીઆઇ અકસ્માત સમયે રાજપાટમાં હોવાની પણ ચર્ચા છે. હવે આ વાત ચર્ચામાં છે ત્યારે તપાસ થાય તો સ્પષ્ટ થયા કે શું થયું હતું. તમારી પાસે મેચની ટિકિટ નથી તો ચિંતા ન કરો પોલીસ ગોઠવણ કરી આપશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઇ અને ગુજરાત વચ્ચેની મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા. ત્યારે ચાર યુવકો સ્ટેડિયમના ગેટ બહાર આવ્યા હતા જેમની પાસે અંદર પ્રવેશવા માટે ટિકિટ નહોતી. પરંતુ તેમણે ગેટ પર આવીને એજન્સીના એક કર્મચારીને ફોન કર્યો હતો. એજન્સીના કર્મચારી આઇકાર્ડ પહેરીને બહાર આવ્યા અને ચારેયને વિના ટિકિટે અંદર લઈ ગયા હતા. ગેટ પર ટિકિટ વિના ઉભા રહેતા લોકોને પોલીસ હાંકી કાઢે છે જ્યારે ટિકિટ વગર આવેલા પોલીસના મિત્રોને પોલીસ VIP મહેમાનની જેમ પોતાની સાથે ટિકિટ વિના જ અંદર લઈ ગઈ હતી. સ્ટેડિયમ બહાર પોલીસની પાંખી હાજરીથી રામરાજ્ય અને પ્રજા સુખી જેવો માહોલ
સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. ગત મેચમાં સ્ટેડિયમ ગેટ પર ઉચ્ચ અધિકારીની હાજરી ન હોવાથી પોલીસ કર્મચારીઓની પણ પાંખી હાજરી જોવા મળી હતી. લોકોની ભારે ભીડ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાતા કેટલાક પોલીસ કર્મચારીઓ આવ્યા પરંતુ તેઓ પણ ભીડને કાબુ કરી શક્યા ન હતા. પોલીસની પાંખી હાજરીના કારણે ગેટ પર લારી અને પાથરણાવાળા આવી ગયા હોવાથી કેટલાક લોકોના સામાનની પણ ચોરી થઈ હતી. ઉચ્ચ અધિકારીના હોવાથી રામરાજ્ય અને પ્રજા સુખી જેવો માહોલ બન્યો હતો. ખાનગી વ્યક્તિ અને TRB જવાનો દ્વારા ટોઈંગ વાહનોમાંથી કમાણી શરૂ
અમદાવાદના પશ્ચિમમાં ટ્રાફિકના એક સમયના મુખ્યાલય ખાતે ખાનગી વ્યક્તિઓએ અને TRB જવાનોએ ટોઈંગ કરેલા વાહનોમાંથી કમાણી શરૂ કરી છે. ટોઈંગ થયેલા ટુ વ્હીલર ચાલક પાસેથી 750 રૂપિયાના દંડની જગ્યાએ 500 રૂપિયા બારોબાર લઈ લેવામાં આવે છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આરામ ફરમાવે છે અને તમામ સત્તા TRB અને ટોઈંગ સ્ટેશનના ખાનગી માણસોને આપી હોવાથી જાણે પોતે પોલીસકર્મી હોય તેમ નાગરિકો સાથે વર્તન કરીને પૈસા પડાવે છે. ઉચ્ચ અધિકારીઓ વાકેફ હોવા છતાં આ અંગે આંખ આડા કાન કરે છે. લ્યો બોલો… આરોપી સુધી પોલીસ તો ન પહોંચી શકે પરંતુ સમાજના લોકોએ હાજર કર્યો
અમદાવાદમાં એક પોલીસ સ્ટેશનમાં મારામારી થઈ અને તેનો વિવાદ અને વીડિયો વાઈરલ થયો. આ સમગ્ર મામલે મોટો ઉહાપો શરૂ થયો પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નહીં. મીડિયાથી દૂર રાખવા માટે પોલીસે મરણિયા પ્રયાસ કર્યો ત્યારે આરોપીને નહીં પકડી શકી નહોતી. જોકે, આરોપીને સમાજના લોકો પોલીસ સ્ટેશન સુધી લઈ આવ્યા હતા. અહીંયા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની નબળી કામગીરી અને તેમની ઈચ્છા શક્તિ સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. હવે આરોપીને કોણ બચાવે છે અને કેમ આરોપી ન પકાડોય તેની ચર્ચા છે.