રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મોટાપાયે વહીવટી ફેરફાર કર્યો છે. વિભાગે રાજ્યભરમાં 157 નાયબ મામલતદારો અને 57 રેવન્યુ ક્લાર્કની બદલીના આદેશ જારી કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ફેરફાર જોવા મળ્યો છે. અહીં 12 નવા નાયબ મામલતદાર નિમણૂક પામ્યા છે. તેમાંથી 6 દાહોદથી, 2 અરવલ્લીથી, અને રાજકોટ, સુરત, પાટણ અને આણંદથી એક-એક અધિકારીની બદલી થઈ છે. સાબરકાંઠામાંથી ત્રણ નાયબ મામલતદારની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. એસ.કે. પ્રજાપતિને બનાસકાંઠા, હેમાંગીની રતનભાઈ ડામોરને સુરેન્દ્રનગર અને જયંતીલાલ કે. ચૌધરીને મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા છે. રેવન્યુ ક્લાર્કની બદલીમાં સાબરકાંઠામાં ચાર નવા અધિકારીઓ આવ્યા છે. અરવલ્લીથી પ્રજ્ઞેશ રસિકભાઈ પટેલ અને દીપક અશોકભાઈ સુથાર, જ્યારે દાહોદથી અશ્વિન જે. રાઠોડ અને આશાબેન આર. દેસાઈની નિમણૂક થઈ છે. આ બદલીઓથી જિલ્લાના વહીવટી તંત્રમાં નવા ચહેરાઓ જોવા મળશે. નવા અધિકારીઓની નિમણૂકથી વહીવટી કામગીરી વધુ સુદૃઢ બનશે તેવી અપેક્ષા છે.