ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આજે ડીસા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. બેઠકમાં બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે સીટના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોત મામલે સીટના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.