ડીસામાં 21 લોકોનો જીવ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં તપાસ માટે એસઆઇટીની ટીમ ગુરુવારે પહોંચી હતી. સ્થાનિક તંત્ર, પોલીસ સાથે બેઠક બાદ ટીમ ઢૂવા રોડ પરની દિપક ટ્રેડર્સ ફટાકડા ફેક્ટરી પર પહોંચી હતી. બે દિવસ સતત જીસીબી અને હિટાચી મશીન ચલાવીને તમામ કાટમાળ ગેટની બાજુની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો હતો. એસઆઈટીના અધિકારીઓએ બારીકાઈ પૂર્વક ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું અને જુદા જુદા રૂમોમાં જઈને ત્યા પડેલી વિસ્ફોટક સામગ્રી ચકાસી હતી. ટીમના સભ્યોએ શટર ઊંચું કરાવ્યું હતું જેની અંદર રસોઈ બનતી હોવાનું સામે આવ્યું હતું.. ત્યાં સગડી પર જ બનીને તૈયાર થયેલી રોટલીનો ઢગલો તેમજ કુકરમાં રાંધેલું શાક જોવા મળ્યું હતું. સીટના વડા ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે ટીમ સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. આ બાબતનું જરૂરી રેકર્ડ પણ કબજે લઈ સરકાર સમગ્ર રિપોર્ટ રજૂ કરશે.
1. ભાવિન પંડયા (IAS, સેક્રેટરી લેન્ડ રિફોર્મ્સ, મહેસૂલ વિભાગ) (અધ્યક્ષ)
2. વિશાલકુમાર વાઘેલા (નાયબ પોલીસ મહાનિરીક્ષક) (સભ્ય)
3. એચ.પી.સંઘવી (ડાયરેકટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર) (સભ્ય)
4. જે.એ.ગાંધી (ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ) (સભ્ય) કાંકરેજમાં ખેતરમાં ચાલતી ફટાકડા ફેક્ટરી રાતોરાત ખાલી કરી દેવાઈ લગ્નમાં તહેવારોમાં ઉત્સવોની ઉજવણીમાં માર્શલ બોમ્બનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડીસાના વિસ્ફોટ કાંડ બાદ બનાસકાંઠાની પ્રથમ ફટાકડા બનાવતી ફેક્ટરી ડીસા બ્લાસ્ટની ઘટના બાદ રાતોરાત ખાલી કરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના રાનેર ગામથી દૂર એક ખેતરમા બોમ્બ બનાવવામાં આવતા હતા. ભાસ્કર ટીમ અહીં પહોંચી તો આસપાસના ખેતરવાળાઓએ ડરના માર્યા મોં સીવી લીધા. કેટલાક નાના બાળકો અહીં રમતા હતા. તેમણે જણાવ્યું કે પહેલા ફટાકડા બનાવતા મજૂરો હોળી કરવા વતન ગયા છે. હજુ આવ્યા નથી. બીજા એક બાળકે કહ્યું 2 દિવસ પહેલા એક ટ્રક આવી હતી એમાં બધો સામાન ભરતા હતા.” ભાસ્કરે ફેક્ટરી અંદર જોઈ તો ખબર પડી કે ફટાકડા બનાવીને રાખવા માટે ખેતરમા લગભગ 20થી વધારે ઓરડીઓ બનાવવામા આવેલી છે અને મજૂરોને રહેવા માટે પણ જુદા જુદા રૂમો બનાવેલા છે. અહીંના તમામ ઓરડીઓ પર ફાયર સેફટીની લાલ બોટલો લાગેલી જોવા મળી હતી. ખેતરમા આવેલ ફેક્ટરીમા ચારે બાજુથી ઊંચી પાકી દીવાલ બનાવાઈ હતી અને મુખ્ય ગેટ લોખંડનો બનાવી બંદ રખાતો હતો. ફટાકડાનો માલ તૈયાર કરવા માટે પ્લેટફોર્મ બનાવેલો છે. અને પાણીનો હોજ પણ બનેલો છે હાલમાં છેલ્લા પંદર દિવસથી હોળી પર મજૂરો ગયા હોવાથી તમામ કામકાજ બંધ છે. ગામના એક સ્થાનિકએ જણાવ્યું કે ગામનું આ ખેતર બીજા કોઈએ વેચાણથી લઇ તેમાં સુતળી બૉમ્બ બનાવતા હતા. અહીં હિન્દી ભાષા બોલતા મજૂરો કામ કરતા હતા પરંતુ થોડા સમયથી કામ બંધ છે. ભાસ્કર એ રાનેર ગ્રામ પંચાયતમાં તપાસ કરી તો ફેક્ટરી ગ્રામ પંચાયતના સર્વે નંબર 385 પર બિન ખેતીમાં અશ્વિનભાઈના નામે બોલે છે. ભાસ્કરે જિલ્લા કલેકટર કચેરીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે 2022માં ફેક્ટરી અશ્વિનભાઈ ના નામથી પાલનપુરના વેપારી ના નામે ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ રાતોરાત માલ ખાલી કરીને ફેક્ટરી બંધ કરવામાં આવતા રહસ્ય સર્જાયું છે.”
બનાસકાંઠામાં સૌથી પહેલી ફટાકડાની ફેક્ટરી મેં બનાવી હતી: અશ્વિનભાઈ (વેપારી ડીસા)
ભાસ્કર એ અશ્વિનભાઈ સાથે વાત કરતા અશ્વિનભાઈ એ જણાવ્યું કે બનાસકાંઠામાં સૌથી પહેલી સરકારની મંજૂરી લઈને ફટાકડાની ફેક્ટરી મેં બનાવી હતી. બે વર્ષ ચલાવી પછી મને એમાં મન માન્યુ નહીં એટલે મેં બંધ કરી દીધી અને છ મહિના બંધ રહી. પછી પાલનપુરના ફટાકડાના વેપારી પ્રવીણભાઈ કચોરીયાએ ખરીદી લીધી અને તેમનું કામકાજ ત્યાં ચાલતું હશે. મને ખબર નથી. હવે હું કપડાનો શોરૂમ ચલાવું છું.”