હરદા | બનાસકાંઠાના ડીસામાં ધમધમતી ફટાકડાની ગેરકાયદેસર ફેકટરીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટમાં જીવ ગુમાવનાર 18 શ્રમિકોના ગુરુવારે મધ્યપ્રદેશમાં નેમાવર નર્મદા ઘાટ પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં. હરદા હંડિયાના 8 અને દેવાસ સંદલપુરના 10 શ્રમિક મોતને ભેટ્યાં હતાં. 10 એમ્બ્યુલન્સમાં 18 મૃતદેહ ઘાપ પર પહોંચ્યાં તો ચિત્કાર ગુંજી ઉઠ્યો. પરીજનો અને સગાં-સ્નેહીઓને એમ્બ્યુલન્સમાં જ મૃતકોના અંતિમ દર્શન કરાવ્યાં હતાં. મૃતકોને ઓળખવા પણ મુશ્કેલ હતું. ડીએનએ ટેસ્ટથી મૃતકોની ઓળખ કરવામાં આવશે. નેમાવર ઘાટ પર પ્રથમવાર એકસાથે આટલી ચિતાઓ સળગતી જોઇ હાજર તમામની આંખો ભીંજાઇ ગઇ હતી. નોંધનીય છે કે દુર્ઘટના બાદ હંડિયાના સંજય (12) અને લક્ષ્મી (50) હજીપણ લાપતા છે. ગીતાબાઇએ દીકરી અને ત્રણેય પૌત્ર ગુમાવ્યા
ગીતાબાઇએ દીકરી ગુડ્ડી અને ત્રણેય પૌત્ર અજય, વિજય, અને કૃષ્ણાને રોકવાની ઘણી કોશિષ કરી હતી. પરંતુ ગુડ્ડી માની નહીં. ઘરનુ઼ં દેવું, નવું મકાન અને પુત્રો માટે કંઇક કરવાની ઇચ્છા હતી. તેથી, તે ચાલી ગઇ. . “ મેં ના પાડી હતી, છતાં તે ના માની ,હવે બધું જ ખત્મ થઇ ગયું ..’ આટલું બોલતાં તો તેમની આંખો ભરાઇ આવી.