રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તુલીપ પાર્ટીપ્લોટ પાસે એક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત થતાની સાથે જ રસ્તા પર લોકોનું તોળું એકત્રિત થઇ ગયું હતું અને ઘટનાનો વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ કરતા કારમાં પાછળની સીટમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી. જો કે, સમગ્ર મામલે આજીડેમ પોલીસે માત્ર બસચાલકની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ટપીને સામે આવતી બસ સાથે અથડાઈ હતી. કારચાલકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો
રાજકોટ ગોંડલ હાઈ-વે પર આવેલા તુલીપ પાર્ટી પ્લોટ પાસે ગઇકાલે (2 એપ્રિલ) સાંજે 6.30 વાગ્યા આસપાસ જીજે.03.પીડી.0734 નંબરની કાર લઈને અજયકુમાર પીપળીયા નામનો શખ્સ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ સમયે કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેના કારણે કારચાલક પોતે ઈજાગ્રસ્ત થયો હતો અને કાર તેમજ બસમાં નુકશાન થવા પામ્યું હતું. લોકોનું ટોળું એકત્રિત થઇ જતા કારચાલકને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાંથી દારૂની બોટલ મળતા અનેક સવાલ
અકસ્માત સર્જાયા બાદ બસચાલક હરખારામ જોગારામ ચૌધરી (ઉં.વ.44) દ્વારા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે BNS કલમ 281, 125(એ) તથા એમવી એક્ટ કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટના બાદ લોકોએ મોબાઈલ કેમેરામાં વીડિયો બનાવતા કારની પાછળની સીટમાં એક દારૂની બોટલ જોવા મળી હતી. ત્યારે કારચાલક નશામાં હતો કે કેમ? તે મામલે પણ સવાલો ઉઠી રહ્યાં છે.