રાજ્યભરમાં ગુરુવારે ગરમીનું જોર યથાવત રહ્યું હતું. અમદાવાદમાં જ્યાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહમાં સૂકા વાતાવરણને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.
દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર બનેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. જેના કારણે ડીસા અને હિંમતનગરમાં 40 ડિગ્રી ઉપર તેમજ મહેસાણા અને પાટણમાં 39 ડિગ્રી ઉપર પારો પહોંચતાં આકરી ગરમીનો અનુભવ થયો હતો. આ સાથે 48 કલાક બાદ ગરમી 2-3 ડિગ્રી વધીને તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જશે. જેને લઇ હવામાન વિભાગે આગામી 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવને લઇ યલો એલર્ટ આપ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. 21 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે રાત્રી દરમિયાન વાતાવરણ ઠંડુ રહ્યું હતું. જ્યારે મુખ્ય 5 પૈકી 4 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રી પાર થતાં દિવસ દરમિયાન અસહ્ય આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો. આકરા તાપને લઇ બપોરના સમયે શહેરના જાહેર સ્થળો અને રસ્તાઓ પર લોકોની અવર-જવર ઘટી હતી. આગામી 48 કલાક સુધી દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર બનેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે દિવસ-રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર બાદ વાતાવરણ સામાન્ય થતાં દિવસનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાઇ શકે છે. આ સાથે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. આ દરમિયાન આગામી 6 એપ્રિલથી ઉત્તર ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરૂ થશે. જે 8 એપ્રિલ સુધી રહેશે. ત્રણ દિવસની હીટવેવને લઇ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. આ દરમિયાન માત્ર અરવલ્લી જિલ્લો હીટવેવની ચપેટમાં નહીં આવે, પરંતુ આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. { અસર : યલો એલર્ટની ગરમી સામાન્ય લોકો સહન કરી શકે છે. પરંતુ નાના બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગો (હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ અને શ્વસનના દર્દીઓ) માટે આ ગરમી જોખમી બની શકે છે. { ઉપાય : ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું. હળવા, આછા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા. જો કોઇ કારણસર ગરમીમાં બહાર જવાનું થાય તો કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું.