સુરત પોલીસે 2,036 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે, જેમાં ઘણાં એવા તત્વો પણ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે ભાઈગીરી અને ડોન જેવી છાપ ઊભી કરવા માટે રીલ બનાવે છે. આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને ક્રાઈમ બ્રાન્ચે બોલાવીને સીનસપાટા બંધ કરી દેવા કડક સૂચના આપી હતી. જેથી 300થી વધુ અસામાજિક તત્વોએ ક્રાઈમ બ્રાન્ચની હાજરીમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર રોફ જમાવનારાઓ સામે કાર્યવાહી
ડીજીપી વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ગુજરાતભરમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસે એક તરફ બુલડોઝર એક્શનની કાર્યવાહી કરી, તો બીજી બાજુ સુરત શહેરમાં એવા લોકો, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતાની છાપ માથાભારે બતાવવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈગીરી, દાદાગીરી અને ગુંડાગર્દી દર્શાવતી રીલ મૂકી પોતાને ડોન હોય તેવી છબી ઊભી કરી રહ્યા હતા, તેમની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. 300 લોકોએ પોતાના એકાઉન્ટ ડિલિટ કર્યા
યાદી મુજબ એક-એક કરીને આવા તમામ અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા હતા. તેમને સમજાવવામાં આવ્યું કે તેઓ રીલમાં ભાઈગીરીની ગતિવિધિ છોડી દે અને પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દે. આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના એક્શન બાદ રીલમાં ભાઈગીરી કરનાર 300થી વધુ ઈસમોએ ક્રાઈમ બ્રાન્ચની અંદર જ પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું. ‘ગોલ્ડન કિંગ’ સહિત અનેક એવા ઈસમો હતા, જેઓ સોશિયલ મીડિયા પર પોતાની છબી ‘શહેરના મોટાભાઈ’ તરીકે બનાવી રહ્યા હતા. તેમના પર મારામારી જેવી વિવિધ ફરિયાદો પણ નોંધાઈ હતી. આ લોકો એક બાજુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તો બીજી બાજુ ફોલોઅર્સ વધારવા અને સમાજમાં ‘ભાઈ’ તરીકેની છબી બનાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. રીલ માધ્યમથી તેઓ દર્શાવવા માંગતા હતા કે તેઓ શહેરના મોટા ડોન છે, જેને કારણે સુરત પોલીસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે,“ડીજીપીના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, જે લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને ‘ભાઈ’ તરીકે દર્શાવતા હતા અને રીલ મૂકતા હતા, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને સમજાવવામાં આવ્યું હતું. પોલીસના સમજાવ્યા બાદ, તેઓએ પોલીસની જ હાજરીમાં પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કર્યું છે. પોલીસની હાજરીમાં આવા 300 જેટલા લોકોએ પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યા છે.” સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, “આ અસામાજિક તત્વો પર અમે ખાસ નજર રાખી રહ્યા છીએ. જે લોકો રીલ બનાવીને પોતાને ‘ભાઈ’ તરીકે ઓળખાવવા માંગે છે અને એમાંથી જેમણે પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યું છે, તેમની પર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ બંને વિભાગ સતત નજર રાખી રહ્યા છે.”