ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે. આ મિશનમાં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર જવાના છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક અપડેટમાં આ માહિતી જણાવી છે. નાસા અને ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઈન્ડિયન એરફોર્સમાં અધિકારી છે. શુભાંશુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. આ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી. ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન જશે ચારેય અવકાશયાત્રીઓ ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરશે આ અવકાશયાત્રીઓ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરશે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. લોન્ચ તારીખ ફાઈનલ મંજૂરી અને મિશન તૈયારીના આધારે જાહેર કરવામાં આવશે. મિશનનો ઉદ્દેશ્ય Ax-4નો મુખ્ય હેતુ અવકાશમાં વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી પ્રદર્શન કરવાનો છે. આ મિશન પ્રાઈવેટ સ્પેસ યાત્રાને પ્રોત્સાહન આપવાની અને ભવિષ્યમાં કોમર્શિય સ્પેસ સ્ટેશન (Axiom Station) સ્થાપિત કરવાની દિશામાં એક્સિઓમ સ્પેસની યોજનાઓનો એક ભાગ છે. એક્સિઓમ 4 એક પ્રાઈવેટ સ્પેસ મિશન છે એક્સિઓમ મિશન 4 એક ખાનગી અવકાશ ઉડાન મિશન છે. આ મિશન અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસ અને નાસા વચ્ચેના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે. આ એક્સિઓમ સ્પેસનું ચોથું મિશન છે. 17 દિવસનું મિશન એક્સિઓમ 1 એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એક્સિઓમનું બીજું મિશન 2 મે, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં, ચાર અવકાશયાત્રીઓએ અવકાશમાં આઠ દિવસ વિતાવ્યા હતા. ત્રીજું મિશન 3 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રૂએ સ્પેસ સ્ટેશન પર 18 દિવસ વિતાવ્યા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે? ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની પરિક્રમા કરતું એક મોટું અવકાશયાન છે. અવકાશયાત્રીઓ તેમાં રહે છે અને માઈક્રો ગ્રેવિટીમાં પ્રયોગો કરે છે. તે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરે છે. તે દર 90 મિનિટે પૃથ્વીની એક પરિક્રમા પૂર્ણ કરે છે. 5 સ્પેસ એજન્સીઓએ સાથે મળીને તેને બનાવ્યું છે. સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો.