ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે, સુપ્રીમ કોર્ટના તમામ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. લાઈવ લોના અહેવાલ મુજબ, 1 એપ્રિલના રોજ યોજાયેલી ફુલ કોર્ટ મીટિંગમાં, બધા 34 જજોએ ચીફ જસ્ટિસ એફ ઈન્ડિયા સંજીવ ખન્ના સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો. જજોએ એમ પણ કહ્યું કે મિલકતો સંબંધિત વિગતો સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ માટેની પદ્ધતિઓ અને નિયમો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારિત સંખ્યા 34 છે. હાલમાં અહીં 33 જજ છે, એક પદ ખાલી છે. બધા જજોએ પોતાની સંપત્તિનું ઘોષણાપત્ર કોર્ટમાં રજૂ કર્યું છે. જોકે, આ જાહેર કરવામાં આવ્યા નથી. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળવાના વિવાદ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. 14 માર્ચે જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. ફાયર સર્વિસ ટીમને ત્યાં અડધી બળી ગયેલી નોટો મળી આવી હતી. જસ્ટિસ વર્માની દિલ્હીથી અલ્હાબાદ ટ્રાન્સફર રોકડ કેસમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ભલામણ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જસ્ટિસ વર્માને કોઈપણ ન્યાયિક કાર્ય ન સોંપવામાં આવે . સુપ્રીમ કોર્ટની ઈન્ટરનલ તપાસ સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. જેમાં 3 જજ છે. જસ્ટિસ યશવંત વર્મા ટૂંક સમયમાં આ સમિતિ સમક્ષ હાજર થઈ શકે છે.