મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમમાં માત્ર ભાડાકરાર પર હથિયાર લાઇસન્સ આપવાના કૌભાંડનો રેલો અમદાવાદ પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં પિસ્તોલ સાથે પકડેલા ભરત ભરવાડની તપાસમાં અમદાવાદમાં 3 વર્ષથી આ રેકેટ ચાલતું હોવાનું ખૂલ્યું છે. નાના ચિલોડામાં રહેતો મુકેશ ભરવાડ કૌભાંડનો મુખ્ય છે. રૂ.7 લાખમાં ભાડાકરાર પર ભરત ભરવાડને હથિયારનું ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ આપ્યું હતું. અમદાવાદનો મુકેશ ભરવાડ 10થી 15 લાખમાં બંદૂકનું લાઈસન્સ વેચતો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખૂલ્યું છે કે, મુકેશ ભરવાડ હાલમાં ફરાર છે અને તે હરિયાણાના શૌકતે અત્યાર સુધીમાં અમદાવાદ સહિતના શહેરોમાં 40થી વધુ લોકોને ભાડાકરાર પર લાઇસન્સ કઢાવી આપ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયામાં લક્ષમણગઢના ટેકરા પાસે રહેતા ભરત ભરવાડને ગાડી સાથે પક્ડી ગાડીમાંથી પરમિટની ગેરકાયદે પિસ્તોલ મળી હતી. જેની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.જે.જાડેજાએ જણાવ્યું કે, ભરત ભરવાડે 2022માં નાના ચિલોડામાં રહેતા મુકેશ ભરવાડને હથિયારનું લાઇસન્સ લેવાની વાત કરતા, તેણે રૂ.7 લાખમાં મણિપુરથી ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ કઢાવી આપવાનું કહી, મણિપુરમાં રહેતા હોવાના ભાડાકરારની વાત કરી હતી. ક્યારેય મણિપુર નહીં ગયેલા આરોપી ભરત ભરવાડે પોતે મણિપુરમાં રહેતો હોવાનો ભાડાકરાર અમદાવાદમાં કરાવી પોતે મણિપુરમાં શાકભાજીની લારી ચલાવે છે. મણિપુરમાં નકસલવાદીનો ત્રાસ હોવાથી સ્વરક્ષણ માટે લાઇસન્સ કઢાવવાનું લખી આપ્યું હતું. મુકેશ ભરવાડે હરિયાણાના સાગરિત સાથે મળી હથિયારનું લાઈસન્સ કઢાવી આપ્યું હતું. ઝડપાયેલા ભરત ભરવાડે 25 હજારમાં તમંચો લીધો ભરત ભરવાડે રૂ.25 હજારમાં રાજકોટના પેડક રોડ પરના ભરવાડ વાસમાં રહેતા સોમા ગમારા પાસેથી દેશી પિસ્તોલ ખરીદી હતી. જેની પાસેથી પિસ્તોલ ખરીદેલી તે સોમાભાઇનું મોત નીપજ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી ગેરકાયદે હથિયારના પરવાના અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. પરવાનાની ચકાસણી માટે મણિપુર પત્ર વ્યવહાર કર્યો છે. શહેરનો આરોપી ગુનાઈત ઇતિહાસ ધરાવે છે ગુનાઈત ઈતિહાસવાળા આરોપી ભરત ભરવાડ સામે નારણપુર પોલીસમાં રાયોટિંગનો ગુનો છે. 2018માં પાલડી પોલીસે પકડ્યો હતો. 2022માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરી હત્યાની કોશિષના ગુનામાં પકડાયો હતો. સેટેલાઇટ પોલીસે 2024માં આર્મ્સ એક્ટના ગુનામાં, આનંદનગર પોલીસે 2024માં જીપી એક્ટના ગુનામાં પકડ્યો હતો. આરોપી પાસેના 3 વેપન પૈકી એક સરદારનગર, બીજું સેટેલાઇટ પોલીસ સ્ટેશને કબજે કર્યું છે. ઘરબેઠા જ હથિયાર લાવી આપવામાં આવતું હતું ભાડા કરારના આધારે ગેરકાયદે મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું હથિયારનું લાઇસન્સ મુકેશ ભરવાડ અને શૌકત રૂ.10 લાખથી 15 લાખમાં હથિયારનો પરવાનો આપતા હતા. 3 વર્ષમાં આ આરોપીઓએ 40થી વધુ લોકોને મણિપુર, નાગાલેન્ડ કે મિઝોરમમાં લઇ ગયા વગર ભાડાકરાર કરી હથિયારનો પરવાનો આપ્યો છે.