back to top
Homeગુજરાત‘હવે ઉંમર વધી ગઈ, મરવા પણ તૈયાર છીએ’:ઉમેદવારોએ કહ્યું- એપ્રેન્ટિસ પછી 17...

‘હવે ઉંમર વધી ગઈ, મરવા પણ તૈયાર છીએ’:ઉમેદવારોએ કહ્યું- એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર; GSECLમાં ભરતીની માગ સાથે ભૂખ હડતાળનો ત્રીજો દિવસ

ગુજરાત સરકારની GSECL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અને સરકારે કરી નથી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 3 દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે. રાત્રિના સમયે ફૂટપાથ પર મચ્છરોનો ત્રાસ છે અને ભૂખ્યા પેટે બેસી રહ્યા છે. પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી ઘણી વાર તેઓએ તરસ્યા રહેવાનો પણ વારો આવે છે. ઉમેદવારો હવે બેરોજગારીથી એટલી હદે ત્રસ્ત થઈ ગયા છે કે, મરવા માટે પણ તૈયાર છે. વર્ષ 2010માં એપ્રેન્ટિસ કર્યું, 2022માં ભરતી બહાર પાડી
સંતરામપુરથી આવેલા ઉમેદવાર રાકેશ બામણીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં મેં એપ્રેન્ટિસ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2022માં ભરતી બહાર પાડવામાં આવી હતી, જેથી અમે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમ છતાં હજુ સુધી પરીક્ષા લેવાઈ નથી. અમારી ઉંમર પણ હવે વધી ગઈ છે. આ મોંઘવારીમાં અમારે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમે છેલ્લા ત્રણ દિવસથી અહીં ભૂખ હડતાળ પર બેઠા છીએ. ‘અમે અહીં મરવાની રાહ પર બેઠા છીએ’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે અહીં નોકરીની આશાએ બેઠા છીએ. પરંતુ કોઈ અધિકારી અમને જવાબ આપવા માટે આવ્યો નથી. એમડી સાહેબ પણ અમને કોઈ જવાબ આપતા નથી. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેસી રહેવાના છીએ. અમે અહીં મરવાની રાહ પર બેઠા છીએ. હવે અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમને નોકરી આપો એ જ અમારી એક માગ છે. બીજી અમારી કોઈ માગણી નથી. GSECLમાં છેલ્લા 20 વર્ષથી કોઈ ભરતી થઈ નથી
કચ્છના રાપરથી આવેલા ઉમેદવાર નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના વિદ્યુત ભવનની બહાર ભૂખ હડતાળ પર બેઠા છીએ. તેમ છતાં અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. વર્ષ 2008માં મેં એપ્રેન્ટિસ કર્યું હતું. હું છેલ્લા 17 વર્ષથી નોકરીની રાહ જોઉં છું. પરંતુ મને નોકરી મળી નથી. જીસેકમાં છેલ્લા 20 વર્ષથી કોઈ ભરતી થઈ નથી. મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. પરંતુ હું બેરોજગાર છું. ગુજરાત સરકાર રોજગારી આપવાની વાતો કરે છે પરંતુ ગુજરાતના યુવાનો જ બેરોજગાર છે. વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. અમે તેમને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે, તમારા ગુજરાતના છોકરાઓ જ બેરોજગાર છે. અમે કોઈ મોટી નોકરી માંગતા નથી. નોકરી માટે અમે અહીં ભૂખ હડતાળ પર બેઠા છીએ. અમે છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા બેઠા છીએ. રાત્રે મચ્છર કરડે છે અને દિવસે તડકામાં બેસીએ છે. તેમ છતાં અમને કોઈ પૂછવા આવ્યું નથી. જૂન-2022માં 800 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાઈ હતી
ભૂખ હડતાળ પર ઊતરેલા ઉમેદવારોએ કહ્યું, ગત વખતે 10 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત સત્તાધીશોએ કરી હતી. આ વાતને મહિનો થવા છતાં ભરતી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી ભૂખ હડતાળ પર જવાની ફરજ પડી છે. અમે 3 માર્ચે રેસકોર્સ જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. એ પછી સરકારમાં પણ રજૂઆત કરી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. જીસેક દ્વારા જૂન-2022માં 800 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 5500થી વધુ ફોર્મ ભરાયાં હતાં. જે-તે સમયે વેરિફિકેશન થયું હતું, પણ પરીક્ષા લેવાઈ નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કંપની ગોળ ગોળ જવાબ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments