ગાંધીનગરમાં કાયમી ભરતીની માગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં 10 આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આંદોલનકારી શિક્ષકોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 150 જેટલા શિક્ષકો સૂત્રોચ્ચાર સાથે આગળ વધ્યા હતા. પોલીસે તેમને અટકાવતા બંને પક્ષે ઘર્ષણ થયું હતું. પોલીસે શિક્ષકોની અટકાયત કરી હતી. છેલ્લા પખવાડિયામાં આ ત્રીજી વખત પોલીસ સાથે ઘર્ષણ થયું છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ, શિક્ષકોને રેલીની મંજૂરી નહોતી. વળી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ છે. આમ છતાં તેમણે જાહેર સલામતીને જોખમમાં મૂકી રેલી કાઢી હતી. ભરત નાવડિયા, યોગેશ વાળા, જયમલ નાયક, પલક ઠાકોર, સોનલ સોરઠિયા, દિનેશ ખંભાળિયા, અંકિત ઠાકોર, વિશાલ મકવાણા, સ્નેહલ દેસાઈ અને રાજેન્દ્રસિંહ રાઠોડ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. આજે 18મા દિવસે પણ શિક્ષકોએ આંદોલન ચાલુ રાખ્યું છે. તેમણે પરેડ યોજીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ફરી એકવાર તેમની અટકાયત કરી છે.