વારંવાર ભારતને ચિત્ત કરવાની વૃત્તિ ધરાવતા ચીન સાથે ‘સો સુનાર કી, એક લુહાર કી…’ જેવું થયું છે. થયું એવું કે બાંગ્લાદેશના સલાહકાર મોહમ્મદ યુનુસ ચીનના ખોળે બેસી ભારત વિરોધી ઝેર ઓકી આવ્યા. પણ આ તરફ મોદીએ પણ ચીનને ચિત્ત કરવાનો પ્લાન ઘડી રાખ્યો હતો. 1 એપ્રિલથી 6 એપ્રિલ વચ્ચે મોદી ત્રણ દેશોના વડાની મુલાકાત લઈને ચીનને ઘેરી રહ્યા છે. આજે મોદીએ એકાંતરે મારેલા 3 માસ્ટર સ્ટ્રોકની વાત… નમસ્કાર, નરેન્દ્ર મોદી 1 એપ્રિલે ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને મળ્યા. 3 એપ્રિલે થાઈલેન્ડ પહોંચીને ત્યાંના વડાપ્રધાન પોએતોનગાર્ન શીનાવાત્રા સાથે દ્વિપક્ષીય મિટિંગ કરી. 5 એપ્રિલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દીસાનાયકા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. લિથિયમની દ્રષ્ટિએ ભારત માટે ચીલી મહત્વનો દેશ છે. તો સમુદ્ર વ્યવહારો માટે થાઈલેન્ડ અને શ્રીલંકા અગત્યના છે. પહેલાં વાત ચીલીની કરીએ… ચીલીના વડાપ્રધાન ગેબ્રિયલ બોરિક દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળ્યા ને એ સમાચાર વહેતા થતાં જ ભલાભલા દેશના ભવાં તણાયાં. ચીનની તો ઉંઘ જ હરામ થઈ ગઈ. આવું થવા પાછળનું એક કારણ છે. ભારતથી 17 હજાર કિલોમીટર દૂર દક્ષિણ અમેરિકાના દેશ ચીલી પાસે એવો ખજાનો છે જે ભારતને માલામાલ કરી શકે છે. ચીલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમ ભંડાર છે. ચીલી પાસે 10 મિલિયન મેટ્રિક ટનથી પણ વધારે લિથિયમ હોવાનું કહેવાય છે. દક્ષિણ અમેરિકામાં ત્રણ દેશ પાસે ભરપૂર લિથિયમ છે. આ ત્રણેય દેશ બાજુબાજુમાં હોવાથી તેને લિથિયમ ટ્રાયંગલ કહેવાય છે. આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલી. આ ત્રણેય દેશો પાસે દુનિયાનો 54 ટકા લિથિયમ ભંડાર છે. આ ત્રણેય દેશમાંથી પણ ચીલી પાસે સૌથી વધારે છે. લિથિયમ મેળવવા માટે બધા દેશ ઉતાવળા કેમ? ચીલીમાં લિથિયમનો ભંડાર હોવાના કારણે દુનિયાના ઘણા દેશો ચીલી સાથે સારા સંબંધો રાખવા માગે છે. લિથિયમ એ ભવિષ્યનું ‘ઈંધણ’ છે. 2019માં લિથિયમ બેટરી બનાવનારા ત્રણ વિજ્ઞાનીઓને રસાયણ શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ઈલેક્ટ્રીક કાર હોય કે સ્માર્ટ ફોન, લેપટોપ હોય કે ડિજિટલ કેમેરો કે પછી બેટરીથી ચાલનારી કોઈપણ પ્રોડક્ટમાં લિથિયમથી બનેલી બેટરીનો ઉપયોગ થાય છે. ખાસ વાત એ છે કે લિથિયમથી બનેલી બેટરી રિચાર્જેબલ હોય છે. ભારત તેની લિથિયમની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. અત્યારે ભારતે લિથિયમ બેટરીનો મોટો જથ્થો ચીન પાસેથી લેવો પડે છે. કારણ કે ચીન પાસે પણ લિથિયમ ભંડાર છે. 2020થી લિથિયમની આયાત કરવામાં ભારત દુનિયામાં ચોથા નંબરે છે. લિથિયમના મામલે ભારત ચીન પરની નિર્ભરતાને ઓછી કરવા માગે છે. ભારત અત્યારે લિથિયમ ટ્રાયંગલના બે દેશો પાસે પહોંચી ચૂક્યું છે. ભારતની સરકારી એજન્સીઓ પોતાના પૈસે આર્જેન્ટીનામાં લિથિયમની શોધ કરી રહી છે. હવે આ મામલે ભારત ચીલી સાથે મોટી ડિલ કરી શકે છે. હવે થાઈલેન્ડની વાત… ભારત અને થાઈલેન્ડના સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ અને બિઝનેસની દ્રષ્ટિએ બંને દેશો વચ્ચે સારું આદાન-પ્રદાન છે. આ વખતે BIMSTEC (બિમસ્ટેક) સમિટ થાઈલેન્ડમાં થવાની છે. ત્યાં મોટો ભૂકંપ આવ્યો, તબાહી થઈ છતાં બિમસ્ટેક સમિટ થવાની છે. અને વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડ પહોંચી ગયા છે. થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપ આવ્યો અને હજી પણ ભય ટળ્યો નથી. એવામાં આ સમિટ એટલા માટે થાય છે કે અહીં ચીનની પાંખો કાપવાની રણનીતિ ઘડવામાં આવશે. આનાથી દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતનો દબદબો વધશે. થાઈલેન્ડના 38 વર્ષનાં મહિલા વડાપ્રધાન પોએતોનગાર્ન શીનાવાત્રાએ મોદીને બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. ભારતીયોનું ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, થાઈલેન્ડ ભારતીયો માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન થાઈલેન્ડ છે. 2024માં ભારતમાંથી 21 લાખ લોકોએ થાઇલેન્ડની મુલાકાત લીધી હતી. 2023 ની સરખામણીમાં આ આશરે 30% નો વધારો છે. મલેશિયા અને ચીન પછી મોટાભાગના ભારતીય પ્રવાસીઓ થાઇલેન્ડ જાય છે. થાઇલેન્ડની 90% થી વધુ વસ્તી થેરાવાડા બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, જેનાં મૂળ ભારતમાં છે. તેથી, થાઇલેન્ડથી આવતા મોટાભાગના પ્રવાસીઓ બૌદ્ધ તીર્થ સ્થળોની મુલાકાત લે છે. તેમાં બિહારના બોધગયા, ઉત્તર પ્રદેશના સારનાથ અને કુશીનગર અને મધ્ય પ્રદેશમાં સાંચીનો સ્તુપ છે. થાઈલેન્ડ, ભારતનું પાંચમું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર ભારત માટે થાઈલેન્ડ મહત્વનું છે. કારણ કે બંને સમુદ્ર રસ્તે જોડાયેલા છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, ભાષાનો અને ધાર્મિક સંબંધ છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે રક્ષા અને સમુદ્રી સુરક્ષાને લઈને સમજૂતી થઈ છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે બિઝનેસ પણ સારો છે. થાઈલેન્ડ એ ભારતનો પાંચમો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે 1.37 લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. ભારતથી થાઈલેન્ડ જે નિકાસ થાય છે તેમાં, ચાંદી, સોનું, મશીનરી, કેમિકલ, શાકભાજી, સીફૂડ, વાહનોના પાર્ટ્સ, સ્ટીલ અને કપડાં. જ્યારે થાઈલેન્ડથી જે માલ ભારતમાં આયાત થાય છે તેમાં વનસ્પતિ તેલ, કેમિકલ, પોલિમર, કિંમતી રત્નો, આયરન પ્રોડક્ટ. 2018માં થાઈલેન્ડને ભારતે 4.86 બિલિયન અમેરિકી ડોલરની નિકાસ કરી હતી. તો 2021-22માં દ્વિપક્ષીય વેપાર 15 બિલિયન અમેરિકી ડોલર કરી દેવાયો. પોર્ટ કનેક્ટિવિટી, ગ્રિડ કનેક્ટિવિટી, પેટ્રોલિયમ પાઈપલાઈન જેવા ઘણા વિષયો પર સમજૂતી થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે રક્ષા સહયોગમાં ભાગીદારી વધી છે. થાઈલેન્ડમાં જે બિમસ્ટેક સમિટ થઈ રહી છે તે શું છે? BIMSTEC એ 7 દેશોનું સંગઠન છે. જે બંગાળની ખાડી આસપાસ આવેલા દેશો છે. બિમસ્ટેકમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યાંમાર અને થાઈલેન્ડ. . પાકિસ્તાનમાં વધતા આતંકવાદના કારણે મોદીએ સાર્ક સાથે છેડો ફાડ્યો અને બિમસ્ટેકને મહત્વ આપવાનું શરૂ કર્યું. આ બધાથી ભારત ચીનને કાઉન્ટર કરવાની તૈયારી કરે છે. ચીન પોતાની બેલ્ટ એન્ડ રોડ (BRI) સ્કીમમાં બધાને ઉધારીમાં ફસાવીને દબદબો બનાવી રાખવા માગે છે પણ ભારત બિમ્સ્ટેક સાથે મજબૂત જોડાણ કરીને ચીનની આ ચાલને રોકે છે. ચીનને ઘેરવા માટે બિમસ્ટેકનો મંચ મહત્વપૂર્ણ કડી બની ગયો છે. શ્રીલંકામાં ચીની પગપેસારો રોકવા ભારતની કવાયત થાઈલેન્ડમાં બિમસ્ટેક સમિટ પૂરી કરીને વડાપ્રધાન મોદી 4થી 6 એપ્રિલ શ્રીલંકા જશે અને ત્યાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દીસાનાયકા સાથે દ્વિપક્ષીય મિટિંગ કરશે. મોદી શ્રીલંકાના અનુરાધાપુરા પણ જશે જ્યાં ભારતના પૈસાથી ડેવપમેન્ટ થયું છે તે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. ચીનની આર્થિક જાળમાંથી બહાર નીકળવા ભારત શ્રીલંકાને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ભારત અને શ્રીલંકાના સંબંધો મજબૂત બન્યા છે. ખાસ કરીને દીસાનાયકાએ પદ સંભાળ્યું ત્યારથી. અનુરા કુમારા દીસાનાયકાએ પદ સંભાળ્યા પછી પહેલી વિઝિટ ભારતની કરી હતી. ભારત અને શ્રીલંકાના સંબંધો આમ તો સારા જ ચાલ્યા જતા હતા પણ ચીને આર્થિક ફાચર મારતાં બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ચીન ચાલાક છે. ભારતની સમુદ્રી સીમા નજીક હોય તેવા દેશોને આર્થિક મદદ કરીને પગપેસારો કરી રહ્યું છે. જેનો તોડ મોદીએ એવો કાઢ્યો છે કે ભારત સાર્કમાંથી નીકળી ગયું છે અને બિમસ્ટેકમાં સામલ થયું છે. બિમસ્ટેકની આ મિટિંગ મહત્વની એટલા માટે છે કારણ કે 2018માં નેપાળના કાઠમંડુમાં સમિટ મળ્યા પછી પહેલીવાર આ સમિટ રૂબરૂમાં મળી રહી છે. 2022માં બિમસ્ટેક સમિટનું યજમાન શ્રીલંકા હતું પણ કોરોનાના કારણે વર્ચ્યુઅલ સમિટ થઈ હતી. છેલ્લે, વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવીને એવું કહ્યું કે, ચીને ભારતની 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. પણ મને આશ્ચર્ય થાય છે કે આપણા વિદેશ સચિવ (વિક્રમ મિસ્ત્રી) ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતાં રહો એડિટર્સ વ્યૂ. (રિસર્ચઃ યશપાલ બક્ષી)