સુરતમાં ગરમીની શરૂઆત સાથે જ પારો 38 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે માણસ સાથે પ્રાણીઓ ઉપર પણ ગરમીની સીધી અસર જોવા મળી રહી છે. હાલ ગરમીની અસર વધતા સુરત પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે હાલ ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પ્રાણીઓના પાંજરા નજીક એર કુલર માટે પણ આયોજન કરવામા આવી રહ્યું છે. પ્રાણીઓને ગરમીથી રાહત આપવા ઠંડા પાણીના ફુવારા શરૂ કરાયા
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરત સહિત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ 38 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માંસાહારી પ્રાણીઓના પાંજરામાં પાણીનો હોજ બનાવી તેમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. પ્રાણીઓના પીંજરા બહાર એરકુલર મૂકવાની પણ તૈયારી
હાલમાં 38 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો છે તેથી પ્રાણીઓ સાથે પક્ષીઓના પીંજરામાં પણ ફુવારા મુકી દેવાયા છે. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થાય ત્યારે પ્રાણીઓના પીંજરા બહાર એરકુલરનો પણ મૂકવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે આગામી દિવસોમાં ગરમી વધે તો તેનાથી પ્રાણીઓને બચાવવા માટે આવા અન્ય પ્રયોગ પણ કરવામાં આવશે. ગરમીના સમયે પ્રાણીઓનો ખોરાક ઘટાડવામાં આવે છે
ડો.રાજેશ પટેલ (સુપ્રિટેન્ડેન્ટ, નેચર પાર્ક, સુરત) એ જણાવ્યું હતું કે, ગરમીના સમયે પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો કરવામાં આવતો હોય છે. ત્યારે તેમને જે શાકાહારી પ્રાણીઓ છે તેમને ઓર્ગેનિક શાકભાજી કે ફ્રુટ જેમાં વધુ રસ હોય છે તે આપવામાં આવે છે. જ્યારે માંસાહારી પ્રાણીઓને મલ્ટી વિટામિન સહિતની ટેબ્લેટ આપવામાં આવતી હોય છે.