back to top
HomeભારતEditor's View: ભારતની સોગઠીથી પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું:કાશ્મીરમાંથી UNને બહાર કાઢવા કવાયત,...

Editor’s View: ભારતની સોગઠીથી પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું:કાશ્મીરમાંથી UNને બહાર કાઢવા કવાયત, અમિત શાહ ત્રણ દિવસ ઘાટીમાં રોકાઈને ‘કાંઈક મોટું’ કરશે?

એકવાર નહીં, અનેકવાર પાકિસ્તાને UN (યુનાઇટેડ નેશન્સ)માં જઈને કાશ્મીરનો મુદ્દો ઉપાડ્યો છે. ભારત પણ હવે જવાબ આપી-આપીને કંટાળ્યું છે. સમય હવે એક્શન લેવાનો છે. એનો સંકેત જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ આપી દીધો. તેમણે એમ કહ્યું હતું કે કાશ્મીરમાં UNની ઓફિસ છે, એની હવે કોઈ જરૂર નથી. નમસ્કાર, કાશ્મીરમાંથી કલમ 370 હટી ગયા પછી કાશ્મીર બદલાયું છે એ નક્કી, પણ હજીયે ઘણાં આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં પગપેસારો કરવા મથે છે. છેલ્લા એક મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં એન્કાઉન્ટરનો સિલસિલો ચાલતો આવે છે. હવે 6 એપ્રિલથી ત્રણ દિવસ માટે અમિત શાહ કાશ્મીર જવાના છે. એનો મતલબ એવો કે કાશ્મીરમાં કલમ 370 પછી હવે ફરી કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. કાશ્મીર કબજે લેવા મોદી સરકારની સ્ટ્રેટેજી
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર આપ્યું હતું કે વો કાશ્મીર હમારા હૈ, જો સારા કા સારા હૈ. ડો. મુખર્જીના પૂર્ણ કાશ્મીર લેવાનું સપનું પૂરું થાય એ દિવસો હવે દૂર નથી. મોદી સરકાર આવી એ પછી પૂર્ણ રીતે કાશ્મીર કબજે કરવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી. એમાં ચાર મહત્ત્વનાં પગલાં હતાં, પણ આ ચાર પગલાં પૂરાં કરવા માટે કાશ્મીરમાં સાઈડ સાઈડમાં ઘણા સુધારા પણ ચાલુ રહ્યા. ઘણાં એન્કાઉન્ટર થયાં. આતંકી કેમ્પોનો ખાતમો થયો. પથ્થરબાજી બંધ થઈ ગઈ. આ બધું તો થયું જ, પણ કાશ્મીરને કબજે લેવા જે ચાર મહત્ત્વનાં પગલાં હતાં એમાંથી હવે ચોથું પગલું PoK કબજે કરવાનું બાકી રહ્યું છે. પહેલું પગલું
370 કલમને હટાવી બીજું પગલું
ઝડપી વિકાસ કર્યો ત્રીજું પગલું
મોટેપાયે ચૂંટણી કરાવી ચોથું પગલું
PoK પાછું લેવામાં આવશે જમ્મુ-કાશ્મીરના LGએ UN વિશે શું કહ્યું?
એક નેશનલ ન્યૂઝ ચેનલે ઈન્ટરવ્યૂ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાને કાશ્મીરમાં આવેલી UN ઓફિસ વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે શ્રીનગરમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ઓફિસ બંધ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય લઈ શકે છે. મારી મર્યાદાઓ છે, પણ મારું વ્યક્તિગત માનવું છે કે હવે કાશ્મીરમાં UN ઓફિસની કોઈ જરૂર નથી. એલજી સિન્હાએ કહ્યું હતું કે શાંતિ લાગુ કરી શકાતી નથી, પરંતુ સ્થાપિત કરવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં મોટો ફેરફાર થયો છે. એક સમય હતો, જ્યારે માતાઓ વિલાપ કરતી હતી અને પરિવારો ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરતા હતા. પથ્થરમારો અને બંધના એલાન ઇતિહાસ બની ગયાં છે. બિઝનેસ ફૂલીફાલી રહ્યા છે અને એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, સિનેમાઘરો અને યુનિવર્સિટીઓ ધમધમે છે. આ બધું શાંતિને કારણે છે. કાશ્મીરમાં UNની એન્ટ્રી કેવી રીતે થઈ?
1947માં જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે મહારાજા હરિસિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી કરી દીધી અને જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બની ગયું. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ખદેડવાનું શરૂ કર્યું. ત્યારે ભારત સરકારે કાશ્મીર મુદ્દાને યુનાઈટેડ નેશન્સમાં લઈ જવાનો નિર્ણય કર્યો. UNએ એક રેફરેન્ડમની શરત મૂકી, પણ તેની પહેલી શરત એ હતી કે પાકિસ્તાને કાશ્મીરમાંથી સેના હટાવી લેવી પડશે. પાકિસ્તાને ક્યારેય આ શરત પૂરી કરી નહીં, એટલે રેફરેન્ડમ (જનમત સંગ્રહ) થયો જ નહીં. આવું થયું છતાં 1948માં UN મિલિટરી ઓબ્ઝર્વર ગ્રુપ (UNMOGP)ને કાશ્મીરમાં મૂકી દીધું. આજ સુધી આ ગ્રુપ કાશ્મીરમાં જ છે. 1972માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર થયો ત્યારે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આમાં કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. પાકિસ્તાને આ સમજૂતી પર સહી પણ કરી. એનો મતલબ એવો થયો કે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની કોઈ ભૂમિકા હવે બચી જ નહોતી છતાં ભારતે ક્યારેય શ્રીનગરની UN ઓફિસને બંધ કરવાની હિંમત બતાવી નહીં. સવાલ એ છે કે મોદી સરકાર હવે UNને કાશ્મીરમાંથી કાઢવાની હિંમત કરી શકશે? કારણ કે 70 વર્ષથી UN કાશ્મીરમાં છે. પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ જ્યારથી UN ઓફિસ વિશે નિવેદન આપ્યું છે ત્યારથી પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે, કારણ કે જો ભારત સરકાર ખરેખર કાશ્મીરમાંથી UNને બહાર કાઢે તો વિશ્વમાં સંદેશો જશે કે ભારત હવે શક્તિશાળી બની ગયું છે. અત્યારસુધી પાકિસ્તાન વારંવાર કાશ્મીર…કાશ્મીર કર્યા કરે છે, પણ કોઈ સાંભળતું નહોતું, એટલે પાકિસ્તાન અવારનવાર આ મુદ્દો UNમાં ઉઠાવવા લાગ્યું. ભારત પણ યુએનમાં તેનો જવાબ આપી આપીને કંટાળ્યું ને છેવટે કાશ્મીરમાંથી જ યુએનને બહાર કરી દેવાની સ્ટ્રેટેજી ગોઠવી દેવાઈ હોય એવું લાગે છે. યુવાનો રાત્રે જેલમ કિનારે ગિટાર વગાડે છે
એલજી સિન્હાએ કહ્યું હતું કે કાશ્મીર તેના અશાંત ભૂતકાળથી આગળ વધી ગયું છે. જો તમે રાત્રે જેલમના નદી કિનારે જાઓ છો તો તમને યુવાનો ગિટાર વગાડતા અને કોફીનો આનંદ માણતા જોવા મળશે. અમે લાલચોકમાં ‘બલિદાન સ્તંભ’ સ્થાપિત કર્યો છે, જ્યાં સેના અને સુરક્ષા દળના અધિકારીઓ હવે તેમના શહીદ સાથીદારોને શ્રદ્ધાંજલિ આપે છે. શાંતિમાં હિસ્સેદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરી પંડિતોને પાછા ફરવા LGએ આહ્વાન આપ્યું
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હિન્દુ નવા વર્ષ (નવરેહ) નિમિત્તે કાશ્મીરી પંડિતોના કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે પંડિતોને જ્યારે કાશ્મીર પાછા ફરવાની વાત આવે છે, ત્યારે મારું માનવું છે કે બધાએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે પંડિતો કાશ્મીરમાં પાછા ફરે અને અમે આ માટે વધુ સારું વાતાવરણ બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. કાશ્મીરી પંડિતોને જમ્મુમાંથી કે બીજાં સ્થળોથી પાછા કાશ્મીરમાં ફરવું હોય તો કેન્દ્ર સરકાર તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પંડિતોએ પણ પાછા ફરવાનો પ્રયાસ કરવો પડશે. મનોજ સિન્હાએ આ વાત કરી ને બે દિવસમાં અમલ પણ કરી નાખ્યો
નેશનલ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ સિન્હાએ કહ્યું હતું કે આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે અમે કડક અભિગમ અપનાવ્યો છે. સરકારની અંદર રહીને જે લોકો આતંકવાદને સમર્થન આપે છે તેમને દૂર કરવા જોઈએ. આ નિવેદન આપ્યા પછી મનોજ સિન્હાએ વિટો પાવર વાપરીને એકસાથે 48 અધિકારીની બદલી કરી નાખી. ઓમર અબ્દુલ્લા એન્ડ પાર્ટીએ સિન્હાના આ નિર્ણયનો જોરદાર વિરોધ કરીને ઇમર્જન્સી મિટિંગ પણ બોલાવી. અબ્દુલ્લાનું માનવું છે કે ચૂંટાયેલી સરકાર બદલીઓના નિર્ણય લઈ શકે. રાજભવન કેમ માથું મારે છે? LG મનોજ સિન્હાએ બુધવારે 14 એડિશનલ ડેપ્યુટી કમિશનર અને 26 સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિત 48 JKAS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એલજી સિન્હાને પત્ર લખીને જણાવ્યું કે ઓલ ઈન્ડિયા સર્વિસ કેડરની બહારના અધિકારીઓની બદલી અને નિમણૂક એ ચૂંટાયેલી સરકારનો વિશેષાધિકાર છે. અમિત શાહ ત્રણ દિવસ કાશ્મીરમાં; બોર્ડર એરિયામાં જવાનો શું સંકેત?
6થી 8 એપ્રિલ ત્રણ દિવસ અમિત શાહ કાશ્મીર જવાના છે. શ્રીનગરમાં ઓમર અબ્દુલ્લા સરકાર સાથે મહત્ત્વની મિટિંગ કરવાના છે અને પછી આસપાસના બોર્ડર વિસ્તારમાં પણ જવાના છે. છેલ્લા ઘણા સમયથી PoK લેવાની વાત ચાલી રહી છે. એવા સમયે અમિત શાહની ત્રિદિવસીય મુલાકાત સૂચક છે. છેલ્લે,
કાશ્મીરના બારામુલ્લાના લોકસભાના અપક્ષ સાંસદ શેખ અબ્દુલ રશીદની 2019માં ધરપકડ થઈ હતી. આતંકવાદીઓને ભંડોળ આપવાનો તેમના પર આરોપ છે. હજી પણ તેઓ જેલમાં જ છે. જેલમાંથી જ તેઓ ચૂંટણી લડ્યા ને જીત્યા. આ વખતે બજેટસત્રમાં હાજર રહેવા તેમણે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મંજૂરી આપી ને રશીદે 7 મિનિટની સ્પીચમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની ઝાટકણી કાઢી લીધી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
સોમવારે ફરી મળીએ… (રિસર્ચઃ યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments