વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટી જે યુનિવર્સિટીની ઓળખ છે. એશિયાના બીજા નંબરના આ ગુંબજ (ડોમ)ના રિસ્ટોરેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે અહીંયા ઐતિહાસિક જૂની વસ્તુઓ મહા-મહેનતે આબેહૂબ નેચરલ કલર દ્વારા પેન્ટ કરવામાં આવી રહી છે. અહીંયા બેલ્જિયમ ટાઇલ્સ, બેલ્જિયમ ગ્લાસ જેવા ઐતિહાસિક મટિરિયલ દ્વારા આબેહુબ બનાવવામાં આવી રહી છે. સાથે અહીંયા લાકડાની ખરાબ થયેલી ચીજ-વસ્તુ પર બેલ્જેનિયમથી મંગાવેલ મોનોકોટ નેચરલ વુડ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી અહીંયા ચાર રાજ્યના 80થી વધુ કારીગરો સતત કામગીરી કરી રહ્યા છે. હવે ટૂંક સમયમાં ઐતિહાસિક ગુંબજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. ત્યારે દિવ્ય ભાસ્કર આ ભવ્ય ઇમારતના ડ્રોન વીડિયો દ્વારા તૈયાર થયેલ ગુંબજ નિહાળી શકો છો. વર્ષ-1880માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખ રૂપિયામાં આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરી હતી અને તેમાં 1881માં બરોડા કોલેજની શરૂઆત કરી હતી. 145 વર્ષ પછી પણ આ ઇમારત અડીખમ ઊભી છે. જો કે, ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી તેનું મેઇન્ટેન્સ કરવું જરૂરી હતું અને હાલમાં સમારકામની કામગીરી ચાલી રહી છે. ગુંબજ હવે ફરી ખરાબ ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. આ એશિયાનું બીજા નંબરનો ઊંચો ગુંબજ છેઃ પ્રો. હિતેશ રવિયા
આ અંગે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પીઆરઓ પ્રો. હિતેશ ડી. રવિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1881માં આ કોલેજ શરૂ કરવામાં આવી ત્યારથી આ ગુંબજનું આકર્ષક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ રહ્યું છે. આ એશિયાનું બીજા નંબરનું ઊંચું ગુંબજ છે, જેની કામગીરી હાલમાં ચાલી રહી છે. અહીંયા 9 જેટલા ગુંબજ છે, જેમાંથી 7 ગુંબજમાં કામગીરી પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે. ‘1880માં બિલ્ડિંગના નિર્માણ પાછળ 8.30 લાખનો ખર્ચે થયો હતો’
વર્ષ 1880માં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખ રૂપિયાના ખર્ચે આર્ટ્સ ફેકલ્ટીના આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. આજે આટલાં વર્ષો પછી એટલે કે, 145 વર્ષે પણ આ બિલ્ડિંગ અડીખંભ ઊભું છે અને આ આગવી ઓળખ છે. આજે કોઈ પણ બાબત હોય ત્યારે આ બિલ્ડિંગમાં ફોટોનો ઉપયોગ થાય છે. આ ઐતિહાસિક ધરોહરને પછી લાવવા માટે અહીંયા પ્લાસ્ટર નેચરલ પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં બહારનો કલર નેચરલ છે, અહીંયા બેલ્જિયમ ટાઇલ્સ અને ગ્લાસનો ઉપયોગ થયો હતો, જે આજે મળવા શક્ય નથી. છતાં પણ તેને આબેહૂબ તૈયાર કરવામાં આવ્યો છે. ‘આબેહૂબ ગ્લાસ અને ટાઇલ્સ બેલ્જિયમથી મગાવાઈ’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્પેશિયલ બેલ્જિયમ ટાઇલ્સ અને ગ્લાસનો અલગથી ઓર્ડર આપેલો છે. જે તે સમયે જે ગ્લાસ અને ટાઇલ્સ હતી, તેજ પ્રકારની આબેહૂબ મેળવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે બિલ્ડિંગનો બહારની દીવાલ છે, તેના પર ભૂતકાળમાં પાણીના કારણે ઘણુબધુ નુકસાન થયેલું છે. જેમાં વરસાદનું પાણી, આંતરિક બાથરૂમ અને વોશરૂમના કારણે આ પ્રોબ્લેમ આવતા હતાં, જેથી બિલ્ડિંગને નુકસાન થતું હતું. ‘બહારની દીવાલમાં પાણી નાખશો તો ત્યાં પાણી ટકશે નહીં’
તેમણે વધુમાં કહ્યું હતું કે આ વખતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રિસ્ટોરેશન બાદ જે તે સમયે ફેકલ્ટી ઓફ આર્ટસમાં જેટલા પણ બાથરૂમ અને પાણીની લાઇન હતી તે તમામને દૂર કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં એકપણ બાથરૂમ રાખવામાં આવશે નહીં. આ સાથે બહારની આખી દિવાલ વોટરપ્રૂફ બનાવવામાં આવી છે. જો તમે ગ્લાસ ભરીને પાણી નાખશો તો પાણી ત્યાં ટકશે નહીં કે સોસાશે નહીં. અહીંયા જે જગ્યાએ લાકડું હતું, તેને પ્રોટેક્ટ કરવા માટે બેલ્જિયમથી મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટર મંગાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને પુનઃ જીવિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ પાછળ હાલના વાઇસ ચાન્સેલર પ્રો ધનેશ પટેલ, રજિસ્ટાર અને એન્જિનિયરિંગની આખી ટીમ કામ કરી રહી છે. એકદમ નૈસર્ગિક પદ્ધતિથી બિલ્ડિંગનું રિસ્ટોરેશન
ઉલ્લેખનીય છે કે, હાલમાં જે કામગીરી પૂર્ણતાને આરે છે, તેવા આ રિસ્ટોરેશનની કામગીરીમાં કોઇપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. એકદમ નૈસર્ગિક પદ્ધતિથી બિલ્ડિંગનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે. જે-તે સમયે વર્ષો પહેલાં આ બિલ્ડિંગ અને ગુંબજની જે ગરિમા હતી તે રીતે તેનો કલર અને ઇંટોની સુંદરતા જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બિલ્ડિંગની દીવાલોને વોટરપ્રૂફ બનાવવામાં આવી રહી છે અને ગુંબજને પણ ફરીથી તેના નેસર્ગિંક સ્વરૂપમાં લાવવામાં આવશે. બિલ્ડિંગમાં પેઇન્ટિંગથી કાયાકલ્પ, વુડનની જાળીઓને પોલિશ્ડ કરવા સહિતનું સમગ્ર રિસ્ટોરેશન આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ ગુંબજનું હેરિટેજ વોકનાં સ્થળોની યાદીમાં સ્થાન
આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં કેમિકલની જગ્યાએ ગોળ, ગૂગળ, મેથી, અડદ અને ઘઉં સહિતનું મિશ્રણ કરીને દીવાલોમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનથી નેચરલ કલર મંગાવીને લગાવવામાં આવ્યો છે. તો બેલ્જિયમ સ્પેશિયલ પોલિશ પણ વાપરવામાં આવી છે જેથી ઐતિહાસિક ધરોહરને ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય. આ ઐતિહાસિક ડોમની ડિઝાઇન કમળથી પ્રેરિત છે. કમળની કળી જે રીતે ખીલતી હોય તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનમાં 8 ખૂણા છે. અંદરના ભાગની પેટર્નની ગોળાકાર ડિઝાઇનમાં પણ મુખ્ય વર્તુળની ફરતે આઠ વર્તુળ મૂકવામાં આવ્યાં છે. ઇન્ડો આર્સેનિક શૈલીના આ બાંધકામમાં અંદરના ભાગે વોલ પેઇન્ટિંગ્સ ટેમ્પેરા ટેક્નિકથી કરવામાં આવ્યું છે. સર સયાજીરાવ ગાયકવાડની વિશાળ ગુંબજની કલ્પના આર્કિટેક્ટ રૉબર્ટ ફેલોસ ચિસોમે તૈયાર કરી હતી. આ ગુંબજને હેરિટેજ વોકના સ્થળોની યાદીમાં સ્થાન અપાયું છે. એશિયાના બીજા નંબરના ગુંબજની ખાસિયત