રાજ્યમાં સતત બીજા દિવસે મોટાભાગે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. ભેજવાળા અને ગરમ પવનના કારણે રાજ્યના 18 પૈકી 15 શહેરોમાં આંશિકથી લઇ સાડા 6 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાયું હતું. આ દરમિયાન મુખ્ય 18 શહેરોમાં 43.2 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત ભુજનું 42.9 ડિગ્રી, ડીસાનું 42.8 ડિગ્રી, અમરેલીનું 42.1 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરનું 42-42 ડિગ્રી સાથે 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર રહ્યો હતો. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 31.2 ડિગ્રી બાદ દ્વારકાનું 31.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ આજથી 4 દિવસ સુધી રાજ્યના 10 શહેરોમાં હીટવેવ શરૂ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ આ 10 શહેરોને યલ્લો, ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સતત બે દિવસ કચ્છમાં રેડ એલર્ટને લઇ ગરમી ફરી એકવાર 44 ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો 2 ડિગ્રી સુધી ઉચકાઇ શકે છે. આ દરમિયાન મોટાભાગે ગરમીનો પારો 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે છે. જો કે, 11 મીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું બની શકે છે. જેને લઇ આકરી ગરમીથી સામાન્ય રાહત મળશે.
યલો, ઓરેન્જ અને રેડ એલર્ટની હીટવેવની અસર અને ઉપાય
1. યલો એલર્ટ :
{ અસર : સામાન્ય લોકો ગરમી સહન કરી શકે છે. પરંતુ શિશુઓ, વૃધ્ધો અને ક્રોનિક રોગો (હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ અને શ્વસનના દર્દીઓ) માટે આ ગરમી જોખમી બની શકે છે.
{ ઉપાય : ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું. હળવા, આછા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા. જો કોઇ કારણસર ગરમીમાં બહાર જવાનું થાય તો કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું.
2. ઓરેન્જ એલર્ટ :
{ અસર : ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેતાં અથવા ભારે કામ કરતાં લોકોને અસર કરી શકે છે. શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગો ધરાવતા સંવેદનશીલ લોકો માટે ચિંતાજનક.
{ ઉપાય : ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું. ડિહાઇડ્રેશનથી બચવા તરસ ન હોય તો પણ પૂરતું પાણી પીવો. પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરો.
3. રેડ એલર્ટ :
{ અસર : બધી ઉંમરના લોકોમાં ગરમીની બીમારી સાથે હીટ સ્ટ્રોક થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
{ ઉપાય : સંવેદનશીલ લોકો માટે અત્યંત કાળજી જરૂરી છે. મોત પણ થઇ શકે છે. { 6 એપ્રિલ : કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સારબરાંઠા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં યલ્લો એલર્ટની હીટવેવ
{ 7 એપ્રિલ : કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સારબરાંઠા, ગાંધીનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં યલ્લો એલર્ટની હીટવેવ
{ 8 એપ્રિલ : કચ્છમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ, તેમજ રાજકોટ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સારબરાંઠા, ગાંધીનગર અને જુનાગઢ જિલ્લામાં યલ્લો એલર્ટની હીટવેવ