ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રિ દરમિયાન સુરતમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. “સુરસંપદા ચૈત્રી નવરાત્રિ” નામે કોસમાડા ચોકડી નજીક, આઉટર રિંગ રોડ પર સ્થિત સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ મહોત્સવ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. અહી દરરોજ જાણીતા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ આપી રહ્યા છે. ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે મા આદ્યશક્તિની આરાધના સાથે લોકપ્રિય ગાયિકા ગીતા રબારીએ ગરબાના સુરીલા તાલે સૌને ઝૂમવા મજબૂર કર્યા. ખેલૈયાઓએ પારંપરિક વસ્ત્રો પહેરી અને મનપસંદ સ્ટેપ્સ સાથે માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમ્યા હતાં. નાના બાળકોથી લઈને વડીલોએ પણ ગરબાના રાસ સાથે સમરસતા અનુભવેલી. ઉનાળાની ગરમી હોવાછતાં કેટલીક મહિલાઓએ 5થી 10 કિલો સુધીના પરંપરાગત ચણિયાચોળી પહેરી, તો પુરુષોએ પણ ભવ્ય પાઘડીઓ અને છત્રીઓ સાથે ગરબા ભાગ લીધો હતો. નવરાત્રિમાં સામાજિક સંદેશ
આ આયોજન માત્ર મનોરંજન પૂરતું નહીં, પરંતુ સામાજિક સંદેશો આપવાનું માધ્યમ પણ બની રહ્યું છે. “Say no to drugs”, “વ્યસન છોડો” અને “વૃક્ષ વાવો” જેવા અભિયાન દ્વારા નવરાત્રિના આ પાવન અવસરે સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મહોત્સવ વિશાળ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં યોજાયો છે, જ્યાં 5,000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. 2,500થી વધુ દર્શકો માટે બેઠકે તથા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સ્ટેજની ખાસ ડિઝાઇન રામમંદિર થીમ પર તૈયાર કરવામાં આવી છે. દરેક દિવસની શરૂઆત આરતી, હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગીતથી થાય છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉજવણીઓથી ભરપુર બનાવે છે. સુરત શહેર મારા માટે લકીઃ ગીતા રબારી
ગીતા રબારીએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રિમાં પણ જે પ્રકારે નવરાત્રિનું આયોજન થયું છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. સુરત શહેર મારા માટે ખૂબ જ લકી શહેર છે. નવરાત્રિ દરમિયાન નહીં ખૂબ લોકો પ્રેમ અને આશીર્વાદ આપે છે. બે વખત નવરાત્રિનું આ પ્રકારનું આયોજન લગભગ કોઈ શહેરમાં થતું નથી. ચૈત્રી નવરાત્રિમાં આવતા મોટા પ્રમાણમાં નવરાત્રિનું આયોજન થાય તો ઘણા બધા લોકોને રોજગારી પણ મળે અને આવકના સાધન પણ અહીંથી મળી રહે છે. ચૈત્રી નવરાત્રિમાં પણ માતાની આરાધના કરવાનો અનેરો આનંદ હોય છે. સુરતીઓ વર્ષમાં બે વખત નવરાત્રિની મજા માણી રહ્યા છે.