ડીસાના બ્લાસ્ટમાં મોતને ભેટેલા 12 વર્ષીય કિશોરની ડીએનએ બાદ ઓળખ થતા તેના મૃતદેહને મધ્યપ્રદેશ તેના વતન મોકલવામાં આવ્યો. એક એપ્રિલે બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકાડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની કરૂણાંતિકામાં હરદા નિવાસી સંતોષ નાયકની પત્ની બબીતા અને મોટા દીકરા ધનરાજના મોત થયાં હતાં. જ્યારે નાનો પુત્ર સંજય લાપતા હતો. જ્યારે તેના શબ અંગે પિતાને જાણ કરાતા તેમણે વિનંતી કરી હતી કે આર્થિક તંગીને કારણે ફરી ગુજરાત આવી શકે તેમ ન હોવાથી નાના પુત્રનું શબ ગુજરાત સરકાર મોકલાવી આપે તો સારું.
પહેલાં સંજયના શબને અન્યને સોંપવા હોસ્પિટલ સત્તાધીશોએ ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે પરિવારજનોને જ શબ સોંપવામાં આવશે. પરંતુ પછીથી સંજયના શબને મોકલ્યું હતું. આ અંગે હરદાના કલેક્ટર આદિત્ય સિંહે જણાવ્યું કે ગત રાત્રે આશરે 10 વાગે ગુજરાત સરકારે સંજયના શબને મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.