કર્ણાટકના કોડાગુ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 2020માં પત્નીને મૃત માનવામાં આવેલી હતી. આ બાબતે તેના પતિને હત્યાના આરોપમાં જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જોકે પત્ની હવે જીવતી મળી આવી છે. આ મહિલા 1 એપ્રિલના રોજ એક હોટલમાં જોવા મળી હતી. જ્યાં તે તેના બોયફ્રેન્ડ સાથે ડિનર કરી રહી હતી. આ ઘટનાએ પોલીસ તપાસમાં ગંભીર ખામીઓ ખુલ્લી પાડી છે. આ બાબતને ખૂબ જ ગંભીર ગણીને કોર્ટે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી)ને સમન્સ પાઠવીને 17 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. ખરેખરમાં, કોડાગુ જિલ્લાના કુશલનગર નજીકના એક ગામમાં રહેતા સુરેશે 18 વર્ષ પહેલા મલ્લિગે નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતિને બે બાળકો છે. નવેમ્બર 2020માં, તેમની પત્ની મલ્લિગે અચાનક ગુમ થઈ ગઈ હતી. સુરેશે કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની મલ્લિગેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પછી, બેટ્ટાદરપુરા (પેરિયાપટના તાલુકો) વિસ્તારમાં એક મહિલાનું હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે તેને મલ્લિગેનું હાડપિંજર માની લીધું અને સુરેશની ધરપકડ કરી અને હત્યાનો કેસ નોંધીને ચાર્જશીટ રજુ કરી હતી. DNA રિપોર્ટ પહેલા જ ચાર્જશીટ સુરેશના વકીલ પાંડુ પૂજારીના જણાવ્યા અનુસાર, પોલીસે ડીએનએ રિપોર્ટ આવે તે પહેલાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી, જો કે મલ્લિગેની માતાના લોહીના નમૂના હાડપિંજરની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પાછળથી જ્યારે ડીએનએ રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં કોઈ મેળ ખાતો નહોતો, એટલે કે હાડપિંજર મલ્લિગેનું નહોતું. તેમ છતાં, કોર્ટે સુરેશની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી અને સાક્ષીઓની તપાસ શરૂ કરી. 1 એપ્રિલના રોજ હોટલમાંથી મહિલા જીવતી મળી આવી સુરેશ વતી, ગ્રામજનો અને મલ્લિગેની માતાએ કોર્ટમાં જુબાની આપી કે મલ્લિગે જીવિત છે અને કોઈની સાથે ભાગી ગઈ હતી. આમ છતાં, પોલીસે પોતાની વાત જ પકડી રાખી કે મલ્લિગેની હત્યા કરવામાં આવી હતી અને હાડપિંજર તેનું હતું. 1 એપ્રિલ 2025ના રોજ, સુરેશના મિત્રએ મલ્લિગેને મદીકેરીની એક હોટલમાં બીજા પુરુષ સાથે જોઈ. તેણે પોલીસને જાણ કરી અને મલ્લિગેને મદીકેરી પોલીસ સ્ટેશન લાવવામાં આવી. આ પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવી. કોર્ટમાં પૂછપરછ દરમિયાન, મલ્લિગેએ કબૂલ્યું કે તે તેના બોયફ્રેન્ડ ગણેશ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે મદીકેરીથી માત્ર 25-30 કિમી દૂર શેટ્ટીહલ્લી ગામમાં રહેતી હતી, પરંતુ પોલીસે ક્યારેય તેને શોધવાનો પ્રયાસ કર્યો નહીં. કોર્ટે પોલીસ પાસેથી જવાબ માંગ્યો અને SPને સમન્સ પાઠવ્યું આ મામલાને ગંભીરતાથી લેતા, કોર્ટે કુશલનગર અને બેટ્ટાદરપુરા પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે જ્યારે મહિલા જીવિત હતી ત્યારે પોલીસે કયા આધારે ચાર્જશીટ દાખલ કરી. પોલીસ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. કોર્ટે હવે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી)ને સમન્સ પાઠવ્યા છે અને 17 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. વકીલે કહ્યું – પોલીસે અન્યાય કર્યો, હવે અમે વળતર માંગીશું સુરેશના વકીલે કહ્યું, “અમે કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. આ પછી, અમે હાઇકોર્ટમાં અરજી કરીશું જેથી સુરેશને થયેલા માનસિક અને સામાજિક નુકસાન માટે વળતર મળી શકે. અમે માનવ અધિકાર આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગને પણ ફરિયાદ કરીશું કારણ કે સુરેશ ST સમુદાયનો છે અને ખૂબ જ ગરીબ છે.” વકીલે માંગ કરી છે કે આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવે અને જાણવા મળે કે ખરેખર કોનું હાડપિંજર મલ્લિગેનું હોવાનું કહેવાય છે. શું પોલીસે બંને કેસ ઉતાવળે બંધ કરવા માટે સુરેશને ખોટી રીતે ફસાવી દીધો હતો.