બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું ચાર એપ્રિલ, શુક્રવાર સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું. 87 વર્ષીય એક્ટર છેલ્લા કેટલાંક સમયથી બીમાર રહેતા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં એડમિટ હતા. દેશભક્તિ ફિલ્મને કારણે મનોજ કુમાર ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે લોકપ્રિયા હતા. આજે એટલે કે પાંચ એપ્રિલે સવારે 11.30 વાગ્યાની આસપાસ મુંબઈના પવનહંસ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થશે. મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા
મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા. તેમની તબિયત બગડતા તેમને 21 ફેબ્રુઆરી 2025 ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા. 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. નસીબથી ફિલ્મોમાં કામ મળ્યું
એક દિવસ મનોજકુમાર ફિલ્મ સ્ટુડિયોમાં કામની શોધમાં ફરતા હતા કે તેમની નજર એક સજ્જન પર પડી. મનોજે કહ્યું કે તે કામ શોધતા હતા. તેથી તે વ્યક્તિ તેમને સાથે લઇ ગયા હતા. ફિલ્મના શૂટિંગમાં વપરાતી લાઈટ અને અન્ય સાધનો લઈ જવાનું કામ તેમને મળ્યું. ધીમે ધીમે મનોજના કામથી ખુશ થતાં તેને ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ આપવામાં આવ્યું. મોટા કલાકારો તેમના શૉટની શરૂઆતની થોડી મિનિટો પહેલાં જ ફિલ્મોના સેટ પર પહોંચી જતા હતા. આ સ્થિતિમાં સેટમાં હીરો પર પડી રહેલી લાઈટને તપાસવા માટે મનોજકુમારને હીરોની જગ્યાએ ઊભા કરવામાં આવ્યા હતા. એક સમયે લાઇટ ટેસ્ટિંગ માટે હીરોની જગ્યાએ મનોજકુમાર ઊભા હતા. જ્યારે લાઇટ પડી ત્યારે તેનો ચહેરો કેમેરામાં એટલો આકર્ષક લાગતો હતો કે એક દિગ્દર્શકે તેને 1957ની ફિલ્મ ‘ફેશન’માં એક નાનકડો રોલ આપ્યો હતો. રોલ ચોક્કસપણે નાનો હતો, પરંતુ મનોજકુમાર થોડી મિનિટોના અભિનયમાં ઊંડી છાપ છોડવામાં સફળ થયા. આ જ ભૂમિકાને કારણે મનોજકુમારને ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’ (1961)માં મુખ્ય ભૂમિકા આપવામાં આવી હતી. પ્રથમ સફળ ફિલ્મ આપ્યા પછી મનોજે ‘રેશમી રૂમાલ’, ‘ચાંદ’, ‘બનારસી ઠગ’, ‘ગૃહસ્તી’, અપને હુએ પરાયે’, ‘વો કૌન થી’ જેવી બેક ટુ બેક ફિલ્મો આપી. દિલીપકુમારના કારણે નામ બદલી દીધું
મનોજકુમાર બાળપણથી જ દિલીપકુમારના મોટા ફેન હતા. મનોજકુમારને દિલીપ સાહેબની ફિલ્મ ‘શબનમ’ (1949) એટલી ગમી હતી કે તેમણે તેમને ઘણી વખત જોઈ હતી. આ ફિલ્મમાં દિલીપકુમારનું નામ મનોજ હતું. જ્યારે મનોજકુમાર ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમણે દિલીપકુમારના નામ પરથી પોતાનું નામ મનોજકુમાર રાખ્યું. નોંધનીય છે કે મનોજકુમારનું અસલી નામ હરિકૃષ્ણ ગોસ્વામી હતું. લાલ બહાદુર શાસ્ત્રીના કહેવા પર બની હતી ફિલ્મ
1965માં મનોજકુમાર દેશભક્તિ પર આધારિત ફિલ્મ ‘શહીદ’માં સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહની ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને તેમનાં ગીતો ‘એ વતન’, ‘એ વતન હમકો તેરી કસમ’…, ‘સરફરોશી કી તમન્ના’… અને ‘ઓ મેરે રંગ દે બસંતી…’ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રીને આ ફિલ્મ એટલી પસંદ પડી કે તેમણે મનોજકુમારને તેમના ‘જય જવાન જય કિસાન’ ના નારા પર ફિલ્મ બનાવવાની સલાહ આપી. સલાહ લઈને મનોજકુમારે ફિલ્મ ‘ઉપકાર’ (1967) બનાવવાનું શરૂ કર્યું, જોકે તેમને ફિલ્મ લેખન કે દિગ્દર્શનનો કોઈ અનુભવ નહોતો. એક દિવસ મનોજકુમારે મુંબઈથી દિલ્હીની રાજધાની ટ્રેનની ટિકિટ ખરીદી અને ટ્રેનમાં ચઢ્યા હતા. તેમણે અડધી ફિલ્મ ટ્રેનમાં બેસીને અને બાકીની અડધી દિલ્હીથી પરત ફરતી વખતે લખી હતી. આ ફિલ્મથી તેમણે દિગ્દર્શક તરીકેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. તેમણે દેશભક્તિ પર ‘પુરબ ઔર પશ્ચિમ’, ‘રોટી કપડાં ઔર મકાન’ જેવી ઘણી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મે મનોજકુમારને ભારત કુમારનું નામ આપ્યું હતું
‘ઉપકાર’ તે વર્ષની સૌથી મોટી ફિલ્મ હતી. ફિલ્મનું ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે..’ આજે પણ બેસ્ટ દેશભક્તિ ગીતોમાં ગણવામાં આવે છે. આ ફિલ્મમાં મનોજકુમારનું નામ ભારત હતું. ફિલ્મનાં ગીતોની લોકપ્રિયતા જોઈને મીડિયાએ મનોજકુમારને ભારત કહેવાનું શરૂ કર્યું અને પછી તેમને ભરત કુમાર કહેવા લાગ્યા. થોડાં વર્ષો પછી સફળ થયા પછી, મનોજકુમારે દિલીપકુમારને તેમની નિર્દેશિત ફિલ્મ ‘ક્રાંતિ’માં નિર્દેશિત કર્યા હતા.