સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર રક્ષિતકાંડમાં, રક્ષિત ચોરસિયાએ ગાંજાના નશામાં આઠ લોકોને કારથી ઉડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે રક્ષિત સહિત તેના બંને મિત્ર પ્રાંશુ અને સુરેશે પણ ગાંજો ફુંક્યો હોવાનું તેમના બ્લડ રિપોર્ટમાં સામે આવ્યું હતું. તપાસ વારસિયા પોલીસને સોંપાતા અકસ્માત વખતે રક્ષિતની બાજુમાં બેસેલા પ્રાંશુ રાજેશ ચૌહાણની અટકાયત કરીને પૂછપરછ કરી હતી, પ્રાંશુએ પોલીસને કહ્યું હતું કે, રક્ષિત ગાંજો લઈને આવ્યો, અમે ત્રણેય મિત્ર સુરશ ભરવાડના વારસિયા પારસ સોસાયટીના ઘરે ભેગા થયા હતા અને ગાંજાના ત્રણ જોઈન્ટ (રોલ) બનાવીને અમે ત્રણેયે તે પીધો હતો. ગાંજો પીને પ્રાંશુ અને રક્ષિત કાર લઈને નીકળ્યા હતા. રક્ષિતે ગાંજાના નશામાં બેફામ કાર ભગાવી હતી અને આઠ જણાને ઉડાવી દીધી હતી, આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. કારેલીબાગ પોલીસે રક્ષિત સામે ગુના નોંધીને જેલ હવાલે કર્યો હતો. ત્યારે ત્રણેય મિત્રોને ગાંજો પીધો હોવાનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવતા કારેલીબાગ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુના નોંધ્યા હતા. જોકે પોલીસે પ્રાંશુને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દીધા હતા. ત્યારે રક્ષિતને પોલીસ જેલમાંથી લાવી પૂછપરછ કરશે તેમ જાણવા મળ્યું હતું. મકાન માલિકે સુરેશને ઘર ખાલી કરાવી દીધું
અકસ્માત બાદ પોલીસ સુરેશના ઘરે પણ પહોંચી હતી. જોકે આ ઘટના બાદ સુરેશના મકાન માલિકે તેને ઘર ખાલી કરાવી દીધું હતું. જોકે હવે સુરેશ ભરવાડ ફરાર થઈ ગયો છે. પોલીસ સુરેશના મકાન માલિકને બોલાવી પૂછપરછ કરનાર છે. જોકે હજી સુધી પોલીસને સુરેશની કોઈ મહત્ત્વની કડી મળી નહોતી. સુરેશ ભરવાડને પકડવા પોલીસ સુરેન્દ્રનગર જશે, ટૂંક સમયમાં પકડાશેનો પોલીસનો દાવો
પોલીસે તપાસ કરતા સુરેશ ભરવાડ સુરેન્દ્રનગરનો હોવાનું જાણવા મળ્યું હતું. સુરેશને પારસ સોસાયટીમાંથી મકાન માલિકે ઘર ખાલી દીધું હતું. જોકે હજી સુધી પોલીસ સુરેશ ભરવાડને પકડી શકી નથી. વારસિયા અને કારેલીબાગ પોલીસની બંને ટીમ સુરેશને પકડવા લાગી છે. ટુંક સમયમાં સુરેશ પકડાઈ જશે તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.