લવકુશ મિશ્રા
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ બુલેટ રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. સુરત સહિત વિભન્ન હાઇ બુલેટ સ્ટેશન લગભગ તૈયાર થઇ ચુક્યા છે ત્યારે આગામી વર્ષના અંત સુધી સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલની સંભાવના છે. આ માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ રેલ ચલાવવાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ જાપાનમાં શરૂ થઈ ગઈ છે. ભારતીય બુલેટ રેલવે પ્રોજેક્ટના કર્મચારીઓને આ તાલીમ અપાઇ રહી છે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) અને જાપાનની રેલવે કંપનીઓ ભારતના મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ‘હાઈ-સ્પીડ રેલ કોર સ્ટાફ ટ્રેનિંગ પ્રોગ્રામ’ ચલાવી રહી છે. આ અંતર્ગત, ભારતના 14 જુનિયર મેનેજરોએ તાજેતરમાં જાપાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓને બુલેટ રેલ કામગીરીના પાંચ વિશિષ્ટ ક્ષેત્રો – ઓપરેશન્સ, રોલિંગ સ્ટોક, પાવર સપ્લાય, સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન અને ટ્રેક અને સિવિલ એન્જિનિયરિંગમાં તાલીમ
આપવામાં આવી હતી.
આ તાલીમમાં જાપાન રેલ્વે ઈસ્ટ (JR ઈસ્ટ) ની શિંકનસેન બુલેટ ટ્રેન સેટ સુવિધાની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, જ્યાં તાલીમાર્થીઓને ઉચ્ચતમ ધોરણો અને તકનીકી પાસાઓથી પરિચિત કરવામાં આવ્યા હતા. અંતિમ ડિબ્રિફિંગ સત્રમાં, તાલીમાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા અને ભારતમાં આ ટેકનિક અને સિસ્ટમ લાગૂ કરવા માટે પોતાના લક્ષ્ય પણ શેર કર્યા હતા. આ તાલીમ ભારતના રેલવે કર્મચારીઓના કૌશલ્યને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પરંતુ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની સફળતામાં પણ ભૂમિકા ભજવશે.