back to top
HomeભારતPM મોદીને મિત્ર વિભૂષણ એવોર્ડ એનાયત:મોદીએ કહ્યું- શ્રીલંકા માત્ર પાડોશી જ નથી,...

PM મોદીને મિત્ર વિભૂષણ એવોર્ડ એનાયત:મોદીએ કહ્યું- શ્રીલંકા માત્ર પાડોશી જ નથી, અમારો મિત્ર પણ છે; માછીમારોને મુક્ત કરવાની માગ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે છે. મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. મિત્ર વિભૂષણ પુરસ્કાર એ વિદેશી રાષ્ટ્ર દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલો 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. PM મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે અહીં દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન મોદીએ ભારતીય માછીમારોની ધરપકડ અંગે ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે આ માછીમારોની આજીવિકાનો મુદ્દો છે. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવાની વાત કરી છે. અમે સંમત છીએ કે આ મામલે આપણે માનવીય અભિગમ સાથે આગળ વધવું જોઈએ. તમિળ મુદ્દે મોદીએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે શ્રીલંકાની સરકાર તમિળોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અને શ્રીલંકાના બંધારણ હેઠળ તેમના સંપૂર્ણ અધિકારો લાગુ કરશે. મોદીએ કહ્યું- 140 કરોડ ભારતીયોનું સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીએ આ સન્માન માટે શ્રીલંકાનો આભાર માન્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફક્ત મારું જ નહીં, 140 કરોડ ભારતીયોનું સન્માન છે. PM મોદીની મુલાકાતના પહેલા દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ અને માળખાકીય સુવિધાઓ સહિત ઘણા કરાર થયા છે. મોદીને વિદેશી રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલ આ 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશોની સહિયારી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના અસાધારણ પ્રયાસોના સન્માનમાં તેમને શ્રીલંકા સરકાર દ્વારા પ્રતિષ્ઠિત મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીને વિદેશી રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલ આ 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પીએમ મોદીને મિત્ર વિભૂષણ એવોર્ડ એનાયત મોદી-દિસાનાયકે સૌમપુરા સોલાર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંયુક્ત રીતે કોલંબોમાં સોમપુરા સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સોમપુરા એક 120 મેગાવોટ (50 મેગાવોટનો પ્રથમ તબક્કો + 70 મેગાવોટ બીજો તબક્કો) સૌર ઊર્જા પ્રોજેક્ટ છે જે શ્રીલંકાના પૂર્વીય ત્રિંકોમાલી જિલ્લામાં આવેલ છે. ભારતનું નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને શ્રીલંકન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) સંયુક્ત રીતે તેને ડેવલપ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રીલંકાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવાનો અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. ભારત-શ્રીલંકા-UAE વચ્ચે MoU PM મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં ભારત, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને શ્રીલંકા વચ્ચે એક ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કરવામાં આવ્યા હતા. આ કરાર ભારત, UAE અને શ્રીલંકા વચ્ચે સહકાર વધારવા માટે છે, જેમાં મુખ્યત્વે ઊર્જા, દરિયાઈ વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે. એરપોર્ટ પર 6 મંત્રીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું મોદી થાઈલેન્ડની મુલાકાત બાદ ગઈકાલે રાત્રે શ્રીલંકા પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રીલંકાના છ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશ મંત્રી વિજીતા હેરાથ, સ્વાસ્થ્ય મંત્રી નલિંદા જયતિસા, શ્રમ મંત્રી અનિલ જયંતા, મત્સ્યપાલન મંત્રી રામલિંગમ ચંદ્રશેખર, મહિલા અને બાળ બાબતોના મંત્રી સરોજા સાવિત્રી પૌલરાજ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી કૃષ્ણાથા અબેસેના સામેલ હતા. આ પ્રસંગે એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેઓએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે છે. પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે દ્વિપક્ષીય વાતચીત કરી. આ પ્રસંગે વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા શનિવારે સવારે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેને મળવા પહોંચ્યા હતા. અહીં રેડ કાર્પેટ પર તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીની શ્રીલંકાની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલાં તેઓ 2015 અને 2019માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. ભારત-શ્રીલંકા ડિફેન્સ ડીલ પર મહોર મોદી અને દિસાનાયકે વચ્ચે પહેલીવાર ડીલ પર મહોર લાગશે. આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ માટે ઔપચારિક માળખું તૈયાર કરશે. આમાં સંયુક્ત લશ્કરી કવાયત, તાલીમ, માહિતીનું આદાન-પ્રદાન અને દરિયાઈ સુરક્ષા પર સહયોગનો સમાવેશ થાય છે. હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાની ભારતની વ્યૂહરચનાનો આ એક ભાગ છે. શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજીથા હેરાથના જણાવ્યા અનુસાર, કરારની રૂપરેખા ડિસેમ્બર 2024માં તૈયાર કરવામાં આવી હતી, જ્યારે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતની મુલાકાતે આવ્યા હતા. PM મોદીના શ્રીલંકા પ્રવાસની 4 તસવીર લોનની ચુકવણીમાં ભારત શ્રીલંકાને રાહત આપી શકે છે ભારતે ડિસેમ્બર 2024 સુધી શ્રીલંકાને આશરે 5 બિલિયન ડોલરની લાઈન્સ ઓફ ક્રેડિટ અને ગ્રાન્ટ સહાય કરી છે. લોન રિસ્ટ્રક્ચરમાં લોન લેનાર શ્રીલંકા, ભારત સાથે લોનની શરતોમાં ફેરફાર – જેમ કે વ્યાજદરમાં ઘટાડો, લોનની ચુકવણીની મુદત લંબાવવી અથવા અમુક કિસ્સાઓમાં લોનનો એક હિસ્સો માફ કરવાની માગ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને નેતા પાવર, રેલવે અને અન્ય ક્ષેત્રોમાં આવા ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે, જે ભારતના સહયોગથી શ્રીલંકામાં ચાલી રહ્યા છે. પીએમ મોદી દેશના ઘણા નેતાઓને પણ મળી શકે છે. મોદી અને દિસાનાયકે પણ ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે અને ત્યાં સ્થિત મહાબોધિ મંદિરની મુલાકાત લેશે. અહીંના મહાબોધિ વૃક્ષને એ બોધિ વૃક્ષનો એક ભાગ માનવામાં આવે છે, જે અંતર્ગત મહાત્મા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવો દાવો કરવામાં આવે છે કે આ વૃક્ષ 2,300 વર્ષથી વધુ જૂનું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોનો મુદ્દો શું છે? ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોનો મુદ્દો એક સંવેદનશીલ અને લાંબા સમયથી ચાલતો વિવાદ છે, જે મુખ્યત્વે પરંપરાગત માછીમારીના અધિકારો અને દરિયાઈ સીમાના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. તામિલનાડુ અને શ્રીલંકાના માછીમારો મન્નારના અખાતમાં માછલી પકડે છે. આ વિસ્તાર દરિયાઈ જૈવવિવિધતામાં સમૃદ્ધ છે, પરંતુ ભારત અને શ્રીલંકાની દરિયાઈ સીમાઓ નિર્ધારિત છે અને તેનું ઉલ્લંઘન કરવું એ આંતરરાષ્ટ્રીય ગુનો ગણવામાં આવે છે. ઘણીવાર તામિલનાડુના માછીમારો માછીમારી માટે શ્રીલંકાના દરિયાઈ સીમામાં ઘૂસી જાય છે. વિવાદનાં મુખ્ય કારણો… 1. પરંપરાગત માછીમારીના દાવા: ભારતીય માછીમારો કહે છે કે તેઓ સદીઓથી આ પાણીમાં માછીમારી કરે છે અને તે તેમનો પરંપરાગત અધિકાર છે. 2. કચ્ચાથીવુ ટાપુઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 1974માં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાને આપવામાં આવ્યો હતો અને બંને દેશોની દરિયાઈ સીમાઓ નક્કી કરવામાં આવી હતી, પરંતુ માછીમારો હજુ પણ એના પર સવાલ ઉઠાવે છે. 3. ટ્રોલરનો ઉપયોગ: ભારતીય માછીમારો મોટરવાળા ટ્રોલરનો ઉપયોગ કરે છે. શ્રીલંકાના માછીમારો આનો વિરોધ કરે છે, કારણ કે એનાથી તેમની આજીવિકાને અસર થાય છે. 4. શ્રીલંકન નૌકાદળ દ્વારા કાર્યવાહી: જ્યારે ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં પ્રવેશ કરે છે ત્યારે શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે. તેમની બોટ જપ્ત કરવામાં આવે છે અને ક્યારેક હિંસા બનાવો પણ બને છે. મોદીએ તમિલ સમુદાયના અધિકારો વધારવાનું કેમ કહ્યું? 29 જુલાઈ 1987ના રોજ ભારત અને શ્રીલંકાની સરકારો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં શ્રીલંકાએ વચન આપ્યું હતું કે તે દેશના તમિલોને બંધારણના 13મા સુધારા હેઠળ તમામ અધિકારો આપશે. કરારમાં કહેવામાં આવ્યું હતું કે 13મા સુધારા હેઠળ સ્ટેટ કાઉન્સિલની રચના કરવામાં આવશે અને તેમાં સંખ્યાના આધારે તમિલોને પણ સ્થાન આપવામાં આવશે. જો કે હજુ સુધી આ કરારનો અમલ થયો નથી. આ કારણે તમિલો શ્રીલંકાની સત્તા અને વ્યવસ્થાનો હિસ્સો બની શક્યા નથી. આ કારણે શ્રીલંકાના તમિલ લોકોમાં નારાજગી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાની સાત તમિલ પાર્ટીઓના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખીને ભારત સરકારને શ્રીલંકાની સરકાર સમક્ષ તેમનો મુદ્દો ઉઠાવવા કહ્યું હતું. આ જ કારણ છે કે મોદીએ શ્રીલંકામાં બંધારણના સંપૂર્ણ અમલીકરણ અને શ્રીલંકાના તમિલોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા પ્રોવિઝન કાઉન્સિલની ચૂંટણીઓ યોજવા પર ભાર મૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments