આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ સીઝનમાં હૈદરાબાદની આ પાંચમી અને ગુજરાતની ચોથી મેચ હશે. હૈદરાબાદની ટીમે પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 44 રનથી હરાવ્યું હતું. જોકે, ત્યારથી ટીમ સતત 3 મેચ હારી ગઈ છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ જીતની હેટ્રિક પર નજર રાખશે. પંજાબ કિંગ્સ સામે હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરનાર ગુજરાતે તેની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને હરાવવામાં સફળતા મેળવી. મેચ ડિટેઇલ્સ
19મી મેચ
SRH VS GT
તારીખ: 6 એપ્રિલ
સ્ટેડિયમ: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે ગુજરાત હેડ ટુ હેડમાં આગળ
હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 IPL મેચ રમાઈ છે. જેમાંથી 3 ગુજરાતે અને માત્ર 1 હૈદરાબાદે જીત મેળવી હતી. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી ત્રણ મેચમાં ગુજરાત જીત્યું છે. તે જ સમયે, બંને ટીમ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે. ગત મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. SRH માટે હેડે સૌથી વધુ રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદને 4માંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં, ટીમના કેટલાક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. બેટર ટ્રેવિસ હેડ 4 મેચમાં 140 રન સાથે ટીમનો ટૉપ સ્કોરર છે. સીઝનની બીજી મેચ અને SRHની પહેલી મેચમાં, તેણે 31 બોલમાં 67 રનની અડધી સદી ફટકારી. તેના ઉપરાંત, અનિકેત વર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ટીમ માટે 74 રનની ઇનિંગ રમી છે. હૈદરાબાદ તરફથી અત્યાર સુધી સૌથી વધુ વિકેટ હર્ષલ પટેલ અને ઝીશાન અંસારીએ લીધી છે. બંનેએ અત્યાર સુધીમાં 4-4 વિકેટ લીધી છે. સાઈ સુદર્શન GTનો ટૉપ સ્કોરર
ગુજરાત ટાઇટન્સના બેટર સાઈ સુદર્શન ટીમના ટૉપ સ્કોરર છે. તેણે 3 મેચમાં કુલ 186 રન બનાવ્યા છે. સુદર્શને આ સીઝનમાં અત્યાર સુધીમાં 2 અડધી સદી ફટકારી છે. પોતાની પહેલી જ મેચમાં તેણે પંજાબ કિંગ્સ સામે 74 રનની અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 63 રન બનાવ્યા. બીજા નંબરે, જોસ બટલરે 3 મેચમાં કુલ 166 રન બનાવ્યા છે. તેણે છેલ્લી મેચમાં RCB સામે 39 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાછલી મેચમાં પણ તેણે 54 રન બનાવીને અડધી સદી ફટકારી હતી. બોલરોમાં સાઈ કિશોર ટોચ પર છે. તેણે 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. તેણે પંજાબ કિંગ્સ સામે 30 રન આપીને 3 વિકેટ લીધી. પિચ રિપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 79 IPL મેચ રમાઈ છે, જેમાંથી 35 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 44 મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 286/6 છે, જે હૈદરાબાદે આ વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર અપડેટ
6 એપ્રિલે હૈદરાબાદમાં ખૂબ ગરમી પડશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 23 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, ઝીશાન અંસારી, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, શાહરૂખ ખાન, શેરફાન રૂધરફર્ડ, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા.