સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારના યુવાનની પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. કેનેડાના ઓન્ટોરીયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર પડોશી આધેડે હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું. દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પત્નીને બચાવવા કરેલા પ્રતિકારમાં યુવાન ઉપર બીજીવખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા તે સ્થળ ઉપર જ લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો. કેનેડામાં હત્યા થયા બાદ યુવકના મૃતદેહને વતનમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પાડોશીએ ચપ્પુથી હુમલો કરી હત્યા નિપજાવી હતી
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંધણવદર ગામના વતની અને સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરીયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરીયા સિટીમાં સ્થાયી થયો હતો. ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો. ધર્મેશ અને તેની પત્ની રવીના સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશીંગ મશીનમાં કપડા ધોઈ રહ્યાં હતા. દરમિયાન અચાનક પડોશી આધેડ તેમની તરફ ચપ્પુ લઈ ઘસી આવ્યો હતો. દંપતિ કંઈ સમજે તે પહેલા પડોશીએ ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઇજાગ્રસ્ત થયો હતો. યુવાન આટલેથી નહીં અટકી રવિના ઉપર પણ હુમલો કરવા આગળ વધ્યો હતો. પત્ની પર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવિનાને બચાવવા દોડયો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જવા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. ધર્મેશને લોહીથી લથપથ જોઈ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી. ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા વાડામાં જ ઢળી પડેલા ધર્મેશને મેડિકલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા પત્ની રવિનાએ ભારે વલખાં મારવા પડ્યા હતા. એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. કોલ કર્યાના દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી. આ પહેલા ધર્મેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સ્થળ પરથી જ પાડોશી આધેડની ઘરપકડ કરી લેવાઈ હતી. હાલ પોલીસ પ્રશાસન દ્વારા પાડોશી આધેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દીકરાના મોતના સમાચારથી માતાપિતા હજી પણ અજાણ
ધર્મેશ કથિરીયા પત્ની સાથે કેનેડામાં જીવન નિર્વાહ કરી રહ્યો હતો, ત્યારે માતા-પિતા પણ પુત્રનું કરિયર સેટ હોવાની ખુશીથી સુરતમાં જીવન ગાળી રહ્યા હતા. જાણે કથિરીયા પરિવાર પર આભ ફાટી પડયું તેવા સમાચાર ધર્મેશના ભાઇને કેનેડાથી મળ્યા ત્યાં તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. ધર્મેશની પાડોશમાં રહેતા આધેડે જ હત્યા કરી હોવાની સુરતમાં મોટા વરાછામાં રહેતા તેના ભાઇને જાણ થઇ હતી. જોકે પુત્રની હત્યા થઇ હોવાની સુરતમાં રહેતા માતા-પિતા સહિતના પરિવારને હજુ સુધી કોઇ જાણ કરવામાં આવી નથી. ધર્મેશના મૃતદેહને વતનમાં લાવવાના પ્રયાસો શરૂ
જુવાનજોધ પુત્રની હત્યા અંગેની જાણ થતાં સુરતમાં રહેતા સમગ્ર કથીરીયા પરિવારે આઘાતની લાગણી અનુભવી હતી. ધર્મેશનો મૃતદેહ વતન પરત લાવવા પરિવારે ભારતીય એમ્બેસીને જાણ કરી છે. અગાઉ પણ કેનેડામાં ભારતના નાગરીકની જ હત્યા બાદ હવે બીજી ઘટના બનતા કેટલાંક સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં હત્યા થનાર ધર્મેશ વલ્લભભાઇ કથિરીયાના મૃતદેહને ભારતમાં લાવવા માટેની પરિવાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મુજબ ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે 15 હજાર ડોલરનો ખર્ચ થવાનો છે. આ ખર્ચ કેનેડા માં રહેતા ગુજરાતી લોકો ઉઠાવવાના હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે મદદે આવ્યા છે. ધર્મેશની કેનેડમાં હત્યા થતા ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગયું છે. નોંધણવદરના વતની પટેલ પરિવારના જુવાનજોધ ધર્મશની હત્યાના પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાત્કાલિક ધોરણે આ મામલે વિદેશ મંત્રી જયશંકરને આ બાબતે વાકેફ કર્યા છે. હત્યારાને તાત્કાલીક ધોરણે સજા મળે તે બાબતની યોગ્ય તપાસની માંગણી કરી છે.