આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1,840થી વધુ ડેલીગેટ ફ્લાઈટ અને ટ્રેનમાં અમદાવાદ આવવાના છે. 7 એપ્રિલ સવારથી 9 એપ્રિલ સવાર સુધી ડેલીગેટ અમદાવાદ આવશે અને 9 એપ્રિલ સાંજથી 10 એપ્રિલ સુધી ડેલીગેટ અમદાવાદથી પરત રવાના થશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામની રહેવાથી લઈને લાવવા લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ડેલીગેટ માટે 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરાયા
1,840થી વધુ ડેલીગેટના રહેવા માટે અમદાવાદ અને આસપાસમાં 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેલીગેટને લાવવા લઈ જવા માટે 4 AC વોલ્વો બસ, 25 મીની બસ અને 500 કાર તૈયાર રાખવામાં આવી છે. CWCના 169 સભ્યો માટે 4 AC વોલ્વો બસ રાખવામાં આવી છે જેમાં સભ્યો બેઠકના સ્થળ સુધી અને ત્યાંથી અન્ય જગ્યાએ જઈ શકશે. વોલ્વો, મીની બસ અને કારમાં કાર્યક્રમના સ્થળે પહોંચશે
CWC બેઠકના દિવસે વોલ્વો બસમાં તમામ ડેલીગેટ આવશે. અધિવેશનના દિવસે વોલ્વો, મીની બસ અને ખાનગી કારમાં ડેલીગેટ આવશે. યુથ કોંગ્રેસ અને NSUI કાર્યકરો અધિવેશનમાં સહભાગી થયા છે. કાર્યકરો પોતાની કાર અને ડ્રાઈવર અધિવેશનના ડેલીગેટને લાવવા લઈ જવા માટે આપશે. રેલવે સ્ટેશન-એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક ઉભુ કરાશે
7 એપ્રિલના રોજ સાંજથી દેશભરમાંથી ડેલીગેટ ફ્લાઈટ અને ટ્રેનમાં આવવાના છે. ત્યારે તેમના માટે અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે. અમદાવાદમાં 6, ગાંધીનગરમાં 1 રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર 3 એમ કુલ 10 હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા તમામ ડેલીગેટનો સંપર્ક કરી કયા સમયે ફ્લાઇટ અથવા ટ્રેનમાં આવવાના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. NSUI અને યુથ કોંગ્રસના હોદ્દેદારોને હેલ્પ ડેસ્ક પર મુકાશે
યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને હેલ્પ ડેસ્ક પર મુકવામાં આવશે. જેમાં ગુજરાત કોંગ્રેસનો એક-એક કાર્યકર સાથે રહેશે. ડેલીગેટ સાથે NSUI અને યુથ કોંગ્રસના હોદ્દેદારો વોલિયંટર તરીકે હાજર રહેશે. હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી, કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત ખડેપગે રહીને સેવા આપશે. તેમજ 7 એપ્રિલથી 10 એપ્રિલ બપોર સુધી ડેલીગેટને લાવવા લઈ જવાની આ તમામ વ્યવસ્થા હોદ્દેદારોને રાખવામાં આવશે. NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે
તમામ હોટલ પર NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે. આ હોદેદારો ડેલીગેટની સાથે રહેશે. ડેલીગેટ જ્યાં જશે, ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે. 500 હોદેદારો વોલિયંટર તરીકે 35 હોટલ પર હાજર રહેશે, જે બહારથી આવતા ડેલીગેટ સાથે સતત સંપર્કમાં રહેશે. હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદેદારો ડેલીગેટ સાથે જશે. એટલું જ નહીં તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલિયંટર પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે. એરપોર્ટથી અધિવેશન સુધી સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
કોંગ્રેસના અધિવેશનને લઈ ગુજરાત આવનાર તમામ ડેલીગેટને ગુજરાતની પરંપરા પ્રમાણે આવકારવામાં આવશે, જેમાં ગુજરાતના વિવિધ નૃત્યોની ઝાંખી પણ જોવા મળશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ અને કલ્ચર કમિટીના પ્રમુખ સોનલબેન પટેલે અને જીલ શાહે જણાવ્યું હતું. એરપોર્ટથી અધિવેશન સુધી 14 સ્ટેજ પર ગુજરાતના જુદા જુદા જિલ્લાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. 8 અપ્રિલે 6 સ્ટેજ અને 9 એપ્રિલે 8 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. એરપોર્ટ પર દાંડીયા સાથે વેલકમની થીમ પર આવકારશે
આખા કાર્યક્રમની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, 8 અને 9 તારીખે આવનારા ડેલીગેટ્સ માટે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી વિવિધ સ્ટેજ તૈયાર કર્યા છે. જેમાં 8 એપ્રિલે CWCની મિટિંગમાં આવનારા ડેલીગેટ્સને આવકારવા માટે એરપોર્ટની અંદર બે જગ્યાએ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. જેમાં 45 જેટલા લોકો દાંડીયા સાથે વેલકમની થીમ પર આવકારશે. સાથે જ એરપોર્ટથી લઈને CWCના કાર્યક્રમ સ્થળ સુધીમાં 6 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં એક સ્થળ પર 20 લોકોની ટીમ એમ કુલ મળીને 120 કરતાં વધુ લોકો ગુજરાતની સંસ્કૃતિની થીમ પર આ ડેલીગેટ્સને આવકારશે. જ્યારે 9 એપ્રિલના દિવસે પણ એરપોર્ટથી લઈને AICCની બેઠકના સ્થળ સુધીમાં 8 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવશે જેમાં વિવિધ થીમ પર નૃત્યની ઝાંખી જોવા મળશે.