રોટરી રાજકોટ મીડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબ દ્વારા મનપા, શહેર પોલીસ અને સદભાવના વૃદ્ધાશ્રમ સહિત સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આત્મીય કોલેજ ખાતેથી સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સ્થાનિક ધારાસભ્ય દર્શીતા શાહ અને રમેશ ટીલાળા તેમજ મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતનાં હાજર રહ્યા હતા. આ તકે માંડવીયા, રૂપાલા સહિતનાએ સાયકલ ચલાવીને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સાયકલની ટોકરી એટલે સ્વાસ્થ્યની લોટરી છે. યુવાઓને દર રવિવારે 1 કલાક સાયકલ ચલાવવા અપીલ કરી હતી. રાજકોટને ગ્રીન બનાવવાના કન્સેપ્ટ સાથે સાયકલોફન
પ્રાપ્ત વિગત મુજબ, સતત આઠમાં વર્ષે રોટરી રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા આજે સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગ્રીન રાજકોટ બનાવવાના કન્સેપ્ટ સાથે સાયકલોફન યોજવામાં આવી છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટીસીપેન્ટના નામનું એક વૃક્ષ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવશે. તેમજ સતત ચાર વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે. વૃક્ષની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે. તેના ફોટા મોકલવામાં આવશે. તેમજ પાર્ટીસીપેન્ટ સ્થળ પર જઈ પોતાના નામનું વૃક્ષ કેવડું થયું છે, તે પણ જોઈ શકશે. સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર સાયકલિંગઃ માંડવિયા
સાયકલોફનમાં સાયકલ ચલાવતા પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ રોટરી ક્લબ દ્વારા આજે સંડે ઓન સાયકલ મુવમેન્ટ અંતર્ગત સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. 4,000થી વધારે યુવક-યુવતિઓ સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે. આ માટે સૌ રાજકોટવાસીઓને અભિનંદન પાઠવું છું. સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર સાયકલિંગ છે. સાયકલ ચલાવવી એ બેસ્ટ એક્સરસાઇઝ હોવાની સાથે પોલ્યુશનનું પણ સોલ્યુશન છે. સાયકલિંગ વ્યક્તિને સ્વસ્થ રાખે છે ત્યારે આપણે સૌએ રવિવારે 1 કલાક સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવી જોઈએ. ‘દેશનાં 5,500 કરતા વધુ સ્થળે સાયકલિંગનું આયોજન’
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિએ નિયમિતપણે સાયકલ ચલાવવી જોઈએ. સાયકલિંગ ફેશનનાં રૂપમાં નહીં, ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં પણ સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે. હું માનું છું કે, હાલ દેશમાં સાયકલિંગનો ક્રેઝ વધી રહ્યો છે. ગત રવિવારે દેશભરમાં 5,000 કરતા વધારે સ્થળે સાયકલિંગ કરવામાં આવ્યું હતું. આ રવિવારે એટલે કે આજે પણ દેશનાં 5,500 કરતા વધારે સ્થળે સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં થયેલા આયોજનમાં મારી સાથે 4,000 કરતા વધુ લોકો સામેલ થયા છે. એ વાતનો મને આનંદ છે. રામનવમીના સૌને મારા રામરામઃ રૂપાલા
રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે ત્યારે સૌને મારા રામ, રામ કહું છું. રોટરી ક્લબ રાજકોટ દ્વારા યોજાયેલા સાયકલોફનનાં આ કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન મળશે. સાયકલિંગ દ્વારા પર્યાવરણની સાથે જ સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. જેને લઈ નવી પેઢીના યુવાઓને મારી અપીલ છે કે, તમારા દૈનિક જીવનમાં પણ સાયકલનો ઉપયોગ વધારશો, જેથી તમને તેમજ રાષ્ટ્રને પણ ખૂબ જ ફાયદો થશે તે નિશ્ચિત છે. સાયકલ ચલાવવાથી હેલ્થ ખૂબ જ સારી રહેઃ અલી અસગર વખારીયા
અલી અસગર વખરીયા નામના 64 વર્ષીય વૃદ્ધે પણ આ સાયકલોફનમાં ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે, નાનપણમાં અમે સ્કૂલે સાયકલ લઈને જતા હતા. આ પછી વોકિંગ અને એક્સરસાઇઝ ચાલુ હતી, પરંતુ સાયકલ ચલાવતો નહોતો. સાયકલોફન અંગે જાણીને મેં 10 દિવસ પહેલા સાયકલ લઈને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આજે સાયકલોફનમાં ભાગ લીધો છે. ત્યારે યુવાઓએ પણ વોકિંગ અને સાયકલિંગ કરવું જોઈએ તેવું મારુ માનવું છે. સાયકલ ચલાવવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને હેલ્થ ઇઝ વેલ્થ, સારા સ્વાસ્થ્ય કરતા ઉત્તમ બીજું કંઈપણ નથી. સાયકલોફનમાં 4,000થી વધુએ ભાગ લીધો
ઉલ્લેખનીય છે કે આજની સાયકલોફનમાં 40,000થી વધુ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખૂબ વહેલી સવારે 6 વાગ્યે તમામ સાયકલીસ્ટો આત્મીય યુનિવર્સિટીમાં ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય મંત્રીની સાથે સાંસદ અને ધારાસભ્યોએ સાયકલ ચલાવતા આ તમામનો ઉત્સાહ બમણો થયો હતો. 21 કિલોમીટરની આ સાયકલોફન આત્મિય યુનિવર્સિટીથી શરૂ થઈ હતી. બાદમાં કે.કે.વી સર્કલ, રૈયા સર્કલ, શિતલ પાર્ક સર્કલ, અયોધ્યા સર્કલ પહોંચી યુ-ટર્ન લઇ નાનાવટી સર્કલથી સીધા નાનામૌવા સર્કલ, મવડી સર્કલ, પુનિત નગર સર્કલ પહોંચી ફરી યુ-ટર્ન લઇ ઉમિયા સર્કલથી કે.કે.વી સર્કલ પહોંચી ત્યાંથી આત્મિય યુનિવર્સિટી પરત ફરી હતી. આ તમામ રૂટ પર રાજકોટ શહેર પોલીસનાં જવાનો તૈનાત રહ્યા હતા. તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.