રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સામે આવી રહી છે. જેમાં શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રંગોલી આવાસમાં ટેન્કર શરૂ કરી આપવા માટે રજૂઆત કર્યાને 15 દિવસ કરતા વધુ સમય થયો છે. એટલું જ નહીં આ સોસાયટીએ બનાવેલા તળાવમાં નર્મદાનાં નીર ઠાલવવા ખુદ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને પણ પત્ર લખી રજૂઆત કરી હતી. આમ છતાં આ રજૂઆત અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેમજ અહીં ટેન્કર શરૂ કરવામાં આવ્યા નથી. આ સોસાયટીમાં કુલ 1164 ફ્લેટ છે, જેમાં 5,000 કરતા વધુ લોકો વસવાટ કરે છે. એટલું જ નહીં અહીં આવેલા તમામ બિલ્ડિંગોનાં નામ આજી, ન્યારી, ભાદર, મચ્છુ જેવી સૌરાષ્ટ્રની નદીઓ ઉપરથી રાખવામાં આવ્યા છે, છતાં અહીં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે ‘પાણી આપો’, ‘પાણી આપો’ સહિતનાં સૂત્રોચ્ચાર સાથે અહીંના રહેવાસીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. સોસાયટીમાં શરૂઆતથી જ પાણીની સમસ્યાઃ તસનીમબેન
આ વિસ્તારમાં રહેતા તસનીમબેન ભારમલે જણાવ્યું હતું કે, પાણી એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે, પણ અમારી સોસાયટીમાં શરૂઆતથી જ પાણીની સમસ્યા છે. અમારી સોસાયટી કોર્પોરેશનમાં આવી ચૂકી હોવાથી 20 દિવસ પૂર્વે ટેન્કર શરૂ કરવા માટે મનપાને રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં હજુપણ મંજૂરી નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. આ મંજૂરી ન આવે તો પાણી વિના ક્યાં સુધી રહેવું? હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મેન્ટેનન્સનાં ખર્ચે 4-5 ટેન્કર ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ 5-6 હજારની વસ્તી માટે આ પાણી પૂરતું નથી. ત્યારે શક્ય તેટલી ઝડપી નળની લાઇન આ સોસાયટીમાં આપવામાં આવે અને જ્યાં સુધી નળની લાઇન ન આવે ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે તેવી અમારી માગ છે. 20 દિવસ પૂર્વે ટેન્કર માટે મનપાને રજૂઆત કરી હતીઃ ભાવનાબેન
આ સોસાયટીમાં રહેતા ભાવનાબેને જણાવ્યું હતું કે, અહીં પાણીનું કનેક્શન મનપા દ્વારા આપવામાં આવ્યું નથી. 20 દિવસ પહેલા ટેન્કર માટે કરેલી અમારી અરજી હજુ પાસ થઈ નથી. જેના કારણે વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે. પાણી વેચાતું લેવામાં ખૂબ જ ખર્ચ થઈ રહ્યો છે. 20 દિવસ પહેલા ટેન્કર માટેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ મંજુર નહીં થતા આવી મોંઘવારીમાં પાણી વેચાતું લેવાની ફરજ પડી છે. ત્યારે હવે તાત્કાલિક ધોરણે પાણીની લાઇન આપવામાં આવે તેવી આમારી માગ છે. પાણીની સગવડ વિના આવાસ યોજના ઉભી કરી દેવાઈઃ દિનેશભાઇ
દિનેશભાઇ ભટ્ટ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, આ સોસાયટીની જમીન ગુજરાત હાઉસિંગ બોર્ડને સોંપાઈ ત્યારે સ્પષ્ટ જણાવાયું હતું કે, પાણીની સગવડ હોય તો જ અહીં આવાસ બનાવજો. છતાં આવી કોઈ સગવડ કર્યા વિના આવાસ યોજના ઉભી કરી દેવામાં આવી છે, જેને કારણે અહીં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પીએમ કાર્યાલયમાં આ રજૂઆત કરવામાં આવી ત્યારે મનપા પાસે જવાબ મંગાયો હતો. જેમાં મનપાએ અહીં ટેન્કર દ્વારા નિયમિત પાણી અપાતું હોવાનું જણાવ્યું હતું. ખરેખર અહીં પાણીના ટેન્કરો નિયમિત રીતે આવતા નથી. ઉનાળામાં અનેક રજૂઆતો કર્યા બાદ થોડા સમય માટે ટેન્કર આપવામાં આવે છે. ‘રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવા કહ્યું હતું’
વધુમાં તેમણે જણાવ્યું કે, એનવાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપતી વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ સ્પષ્ટ કહેવાયું હતું કે અહીંયા રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવી, પરંતુ અહીં આવું કાંઈ કરવામાં આવ્યું નથી. જો રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ અહીં કાર્યરત થઈ હોત તો પાણીની સમસ્યા ઓછી રહેવાની શક્યતા હતી. આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP માટે શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. છતાં આ પણ કાર્યરત કરવામાં આવી નથી. અહીં કોઈપણ રીતે સહાય આપવામાં આવી નથી. સૌ પૂરતી રકમ ભરીને આ સોસાયટીમાં રહે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. 1164 પરિવારોની તંત્રને કોઈ પરવા નહિ
વર્ષ 2016થી અહીં લોકો રહેવા આવ્યા છે, આમ છતાં આજે પણ અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મેન્ટેનન્સની રકમમાંથી અમને ટેન્કર આપવામાં આવે છે. કોર્પોરેશનમાં ભળી ગયા હોય અમે ત્યાં પણ રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી મળે પછી ટેન્કર શરૂ કરવામાં આવશે. 1164 પરિવારો અહીં રહે છે, છતાં તંત્રને અમારી કોઈ પરવા નથી. આ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાની જાતે તળાવ બનાવ્યું છે અને મનપાનું ભારણ ઘટાડવા પ્રયાસ કર્યો છે. પણ હવે ઉનાળામાં તળાવમાં પાણી નહીં હોવાથી અમે આ સોસાયટીમાં ટેન્કર દ્વારા પાણીની માગ કરી રહ્યા છીએ, છતાં અમારી માગ સંતોષાતી નથી. ત્યારે તંત્રની પાસે શુ અપેક્ષા રાખવી? નલ સે જલની વાતો કરતી સરકાર અમારી માગ પુરી કરે તેવી અમારી વિનંતી છે. બિલ્ડિંગોનાં નામ નદીઓ પરથી રાખ્યાં, તોય પાણી નહિ
ઉલ્લેખનીય છે કે, રંગોલી આવાસ યોજનામાં આવેલા તમામ બિલ્ડિંગોનાં નામ પણ સૌરાષ્ટ્રની નદીઓ પરથી રાખવામાં આવ્યા છે. અહીં સ્થાનિકો દ્વારા ગીરગંગા ટ્રસ્ટનાં સહયોગથી એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં પાણી ડુકી ગયું છે, જેને પગલે અહીંના રહીશો દ્વારા મનપાની પાસે ટેન્કર દ્વારા પાણી આપવાની માગ કરવામાં આવી છે. તેમ છતાં ટેન્કર ચાલુ કરવામાં નહીં આવતા સ્થાનિકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તેવી માગ ઉઠાવી છે.