જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું છે. ધડાકાભેર બાટલા ફાટતાં ભીષણ આગ લાગી હતી. બંગલાના માલિકે જ ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદે ગોડાઉન બનાવી દીધું હતું. તેમના 42 વર્ષના પત્ની સરસ્વતીબહેન અને 2 વર્ષના પુત્ર સૌમ્યનું ઉપલા માળે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું. મકાનમાલિક જગદીશ મેઘાણી બાજુના કોમ્પ્લેક્સમાં આવેલા બાજુના કોમ્પ્લેક્સમાં એસી, ફ્રીજના રો-મટીરિયલનો વ્યવસાય કરે છે. ઘરમાં લગભગ 3 હજાર બાટલા સ્ટોર કરાયા હતા. ગરમીને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. ફટાકડાની જેમ બાટલા ફૂટતાં આજુબાજુના બે ઘરને નુકસાન થયું હતું. નજીકમાં પાર્ક કરેલી 4 કાર, 7 ટુવ્હીલર આગમાં ખાખ થઈ ગયા હતા. વાસણા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલ, મ્યુનિ., ફાયરનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર કરાયેલા એસી, ફ્રીજ અને લાઈટરના ગેસના બાટલા ફાટતાં ફાટી નીકળેલી આગમાં મહિલા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું હતું. ધડાકો એટલો પ્રચંડ હતો કે, ગ્રિલ બહાર આવી ગઈ અને પ્લાસ્ટર પણ તૂટી ગયું હતું. ગેરકાયદે ગોડાઉન, મ્યુનિ.ને વર્ષ પૂર્વે જાણ કરાઈ હતી સોસાયટીના ચેરમેન ભાવિન જોષીએ કહ્યું, ગત માર્ચમાં દ. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને ગેરકાયદે ગોડાઉન અંગે અરજી કરી જાણ કરી હતી. ત્યારે પણ આગની દહેશત વ્યક્ત કરાઈ હતી. કારણ કે, જ્વલનશીલ બાટલા ઘરમાં સ્ટોર કરાતા હતા. સોસાયટીએ મકાનમાલિકને પણ નોટિસ આપી હતી અને કમ્પાઉન્ડ તેમજ ધાબા પર આવો સામાન ન મૂકવા કહ્યું હતું. નોટિસમાં તેમને સ્પષ્ટ કહેવાયું હતું કે, આગ લાગવાનું જોખમ હોવાથી ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ સ્ટોર ન કરો. પડોશીના ઘરને નુકસાન, બેને માંડ માંડ નીચે ઉતારાયા આગ લાગેલ મકાનની બાજુમાં આવેલા 22 નંબરમાં રહેતા તેજલબેન ચૌહાણે કહ્યું, અમે ઘરમાં હતાં અને ધડાકાભેર ભીષણ આગ લાગી હતી. ધુમાડાને કારણે કશું દેખાતું ન હતું. પ્રથમ માળેથી મારા દીયર અને તેમની પત્નીને જીવના જોખમે નીચે ઉતારાયા હતા. ઘરની બહાર પાર્ક કરેલા 2 ટુવ્હિલર અને 2 મહિના પહેલા લીધેલી કાર આગમાં બળીને રાખ થઇ ગઈ હતી. ઘરના દરવાજાને પણ નુકસાન થયું. આજુબાજુ પડેલાં 7 ટુવ્હીલર, 4 કાર બળીને ખાખ
ગેસના નાના બાટલા ફૂટીને મકાનની બહાર સોસાયટીના રોડ પર તેમજ જાહેર રોડ પર ફંગાળાઇને પડયા હતાં. આગના કારણે રોડ પર પડેલી 4 કાર અને 7 ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ચારેબાજુ ગેસના બાટલા પડેલા જોવા મળ્યા હતા. બાળકને છાતી સરસું ચાંપી બહાર કાઢ્યું, બચાવી ન શકાયું પહેલાં માળે કોઈક ફસાયું હોવાની રહીશોએ જાણ કરી અને મેં બે ફાયરકર્મી સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. પહેલા માળના એક રૂમમાં તપાસ કરી તો ત્યાં કોઈ મળ્યું નહીં. બીજા રૂમમાં જોયું તો એક બાળક અને મહિલા બેભાન પડ્યા હતા. બાળકને છાતી સરસું ચાંપી ચાલુ આગે બહાર દોડી આવ્યો અને હોસ્પિટલ મોકલાયું. પણ કમનસીબે બચાવી શકાયું નહીં. અન્ય બે ફાયરકર્મીએ મહિલાને નીચે ઉતારી પરંતુ તેમને પણ બચાવી શકાયા ન હતા. ACના ગેસને તણખાની જરૂર નથી, ભારે દબાણ-ગરમીથી આગ પકડી લે છે
ગોડાઉનમાં એસીના ગેસ રિફિલિંગની બોટલો હતી. સંભાવના છે કે, કોઈ બોટલ લીક થઈ હશે. ગરમી પણ ઘણી વધારે હતી. લીકેજને કારણે ગોડાઉનમાં ગેસ જમા થતો હોવો જોઈએ. એસીમાં ભરાતા ગેસને તણખાની જરૂર નથી. ભારે દબાણ અને વધુ પડતી ગરમીને કારણે તે આપોઆપ આગ પકડી શકે છે. ગેસ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. આ ઘટનામાં પણ આગ-ધુમાડા ઉપલાં માળ સુધી પહોંચ્યા. લાઈટરમાં પૂરવાનો ગેસ એલપીજી હોય છે અને તે અત્યંત જ્વલનશીલ હોય છે. ગેસના બાટલામાં આગ લાગી હોવાથી તેની ફેલાવાની ગતિ વધી ગઈ હતી અને ઘરમાં ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક પણ ન મળી હોય તેવું બનવાની સંભાવના વધારે છે.