મનોજ કુમારના નિધનના શોકમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ બહાર નથી આવી ત્યાં વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસની માતા કિમ ફર્નાન્ડીઝનું આજે સવારે નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી એક્ટ્રેસની માતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. 24 માર્ચે જેકલીનની માતા કિમને હાર્ટએટેક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. 13 દિવસથી ICUમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ કારણે એક્ટ્રેસે થોડા દિવસો માટે કામમાંથી વિરામ લીધો હતો અને સતત હોસ્પિટલની મુલાકાત લેતી હતી. 26 માર્ચે તે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL મેચમાં પરફોર્મ કરવાની હતી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની માતાની તબિયત ખરાબ હોવાથી એક્ટ્રેસે આ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું ન હતું. સલમાન ખાન જેકલીનની માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો
એક અઠવાડિયા પહેલા, સલમાન ખાન પણ જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ બંને ટૂંક સમયમાં ‘કિક 2’માં સાથે જોવા મળશે. 2022થી તેમની તબિયત બગડતી ગઈ
જેકલીન ફર્નાન્ડીઝની માતાને વર્ષ 2022માં પણ હાર્ટએટેક આવ્યો હતો. તે સમયે તેમની સારવાર બહેરીનમાં ચાલી રહી હતી. કિમ ફર્નાન્ડિસ પહેલા મનામામાં રહેતાં હતાં, જ્યારે જેકલીન કામના કારણે ભારતમાં રહે છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં, જેક્લીને તેમની માતાને તેની પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યો હતો. ઈન્ડિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે- મારી માતાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. હું અહીં મારા માતા-પિતા વિના એકલી રહું છું. તેઓ હંમેશા મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.