સુરતનું એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં 1300 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ રામ મંત્ર લખવામાં આવી રહ્યા છે. રોજ લોકો દર્શને આવે છે અને પ્રદક્ષિણા કરે છે. આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં રામમંત્ર લખેલી પુસ્તકો આ મંદિરમાં મુકવામાં આવી હતી. મંદિરમાં 51 ફૂટ ઊંચો વિશ્વશાંતિ રામસ્તંભ
સુરતના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામનામ મંદિરનું નિર્માણ થયું છે. જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે વિશ્વશાંતિ રામસ્તંભ બનાવવામાં આવ્યો છે જે 51 ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. રામ નામ લખવાનું લક્ષ્ય 2100 કરોડ સુધી પહોંચ્યું
વિશ્વશાંતિ હેતુ અર્થે આ રામ નામ મંદિર બનાવવામાં આવ્યું છે. 12 ડિસેમ્બર 2017ના રોજ 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞનાં શ્રીગણેશ થયા હતા. ત્યાર બાદ 2022માં મંદિર બનાવવામાં આવ્યું. સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયુ હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે, ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતુ ગયુ અને 2100 કરોડ સુધી પહોંચી ગયું હતું. કોઈ મૂર્તિ કે ફોટો નહીં માત્ર રામ નામ લખેલા મંત્રો
શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટના સંચાલક દીપકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પહેલા રામ નામ મંત્ર લખવામાં આવ્યા હતા તેને અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરમાં આપવાનો વિચાર હતો. જોકે ત્યાંથી સુરતમાં જ તેને રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિચાર આવ્યો હતો કે, રામ સે બડા રામ કા નામ વિચાર સાથે રામ નામ મંદિર જ બનાવી દઈએ. રામ લખેલો જો પથ્થર પણ તરી જતો હોય તો આ તો બહુ મોટી શક્તિ કહેવાય. આ મંદિરમાં કોઈ મૂર્તિ કે ફોટો નથી માત્ર રામ નામ લખેલા મંત્રો જ છે. મંદિરમાં 1300 કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરાયા
વધુમાં તેમણે જણાવ્યું, આ બધી મંત્રબુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ 2021માં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુહૂર્ત થયું અને 9 ઓક્ટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રામ નામ લિખિત બુક્સની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને એ બધી બુક મંદિરમાં મૂકવામાં આવી છે. હાલમાં આ મંદિરમાં 1300 કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરી દેવાયા છે. આ તૈયાર થયેલી બુકને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં રાખવામાં આવી છે જેથી ખરાબ ના થાય. દોઢ લાખ જેટલા ભક્તો દ્વારા લખાયેલી પાંચ લાખ જેટલી બુક મંદિરમાં સ્થાપિત છે. હાલ 1300 કરોડ પછી પણ આપણે આ યજ્ઞ ચાલુ જ રાખ્યું છે. હવે 2100 કરોડ મંત્રનો ધ્યેય છે. રામનવમીના દિવસે ભક્તોનો ધસારો
51 ફૂટની ઊંચાઈ ધરાવતો રામસ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે. જેની ચારેબાજુ રામ નામ લખાયેલુ છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું પણ કામ થયું હતું. આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામસ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે. આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં રામ ભક્તો આ રામ નામ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તો પ્રદક્ષિણા કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ મંદિર ખાતેથી જે ભક્તો રામ નામ લખવા માટે બુક લઈ ગયા હોય છે તે પણ આજે અર્પણ કરવામાં આવતી હોય છે. આજે અલગ અલગ ભક્તો લાખોની સંખ્યામાં લખેલા રામ મંત્ર પણ અર્પણ કરવા આવ્યા હતા.