back to top
Homeગુજરાતભગવાન શામળિયાને 4.25 કરોડનો મુગટ અર્પણ:3 કિલો સોનું-700 ગ્રામ હીરા સહિત નવરત્નનો...

ભગવાન શામળિયાને 4.25 કરોડનો મુગટ અર્પણ:3 કિલો સોનું-700 ગ્રામ હીરા સહિત નવરત્નનો ઉપયોગ; ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી 3 માસમાં તૈયાર કરાયો મુગટ

ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 કિલો સોનું અને 700 ગ્રામ હીરા સહિત નવરત્નોનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને બનાવવામાં અંદાજીત 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. શામળાજી ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે. મુગટની ઝળહળતી ચમક અને નવરત્નોની સુંદરતાએ મંદિરના વાતાવરણને વધુ પવિત્ર અને આકર્ષક બનાવ્યું છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે. ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક
ભગવાનને અર્પણ કરવામાં આવેલો આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં દૂર-દૂરથી ભક્તો કાળિયા ઠાકરનાં દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ-સોગાદ અર્પણ કરે છે. આ ભેટ-સોગાદોનો ઉપયોગ મંદિરના વિકાસ અને ભગવાનના શણગાર માટે કરવામાં આવે છે. મુગટને તૈયાર કરવામાં 3 મહિનાથી વધુ સમય લાગ્યો
આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. મુગટનું કુલ વજન 3 કિલો છે, જેમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો પણ જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ ભવ્ય મુગટને બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો, જે કારીગરોની મહેનત અને કલાત્મકતાનો પુરાવો છે. ખાસ વાત એ છે કે, કારીગરોએ મજૂરી પણ માફ કરી દીધી છે, જે તેમની ભક્તિ અને સમર્પણને દર્શાવે છે. અમદાવાદના સ્નેહલ સોનીએ તૈયાર કર્યો મુગટ
શામળાજી મંદિરના ટ્ર્સ્ટી જિગીશ મહેતાએ જણાવ્યું હતું કે, શામળાજી મંદિર ખાતે ઘણાં વર્ષો પછી ભગવાનને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ટ્રસ્ટ તરફથી અર્પણ કરાયો છે. સમગ્ર મુગટનું કામ અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રી હરિ ક્રિએશન અને કે.બી ઝવેરીના કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી શક્ય બન્યું છે. સ્નેહલભાઈ સોનીએ (અમદાવાદના) મુગટ બનાવવા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધો નથી, અંદાજે 30 લાખથી વધુની મજૂરી થાય, પરંતુ સ્નેહલભાઈ અને તેમના પરિવાર દ્વારા કોઇ મજૂરી લેવામાં આવી નથી. મુગટમાં નવરત્નનો વિશેષ શણગાર
મુગટ તૈયાર કરનારા સ્નેહલ સોનીએ કહ્યું કે, મુગટ બનાવવા 3થી 5 મહિનાનો સમય લાગ્યો હતો. મુગટની અંદર પન્ના, માણેક, હીરા, પોખરજ જેવાં નવરત્ન લગાવવામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાનના કમળને મુગટના સેન્ટરમાં લગાવવામાં આવ્યું છે. મુગટની સંપૂર્ણ કામગીરી 10થી 12 કારીગર દ્વારા કરવામાં આવી હતી. શામળાજી મંદિરની આ ઐતિહાસિક ક્ષણ ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મુગટ માત્ર ભગવાનનો શણગાર નથી, પરંતુ તે ભક્તોની શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક પણ છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના સભ્યો અને ભક્તોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવેલો આ મુગટ આગામી સમયમાં શામળાજી મંદિરની ઓળખ બનશે અને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments